ઉપલેટાની સ્કૂલમાં અભ્યાસ કરવા માટે બસમાં અપડાઉન કરતા 34 વિદ્યાર્થીઓ પૈકી 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
જામજોધપુર થી ઉપલેટા ખાનગી શાળામાં અભ્યાસ કરવા જતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે દોડધામ: એક વિદ્યાર્થીનીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી જામજોધપુરથી જતા 34 વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરાવાયા: પરિવારના ચાર સહિત કુલ 17ના પોઝિટિવ રિપોર્ટ: જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત મોડી સાંજે પોઝીટીવ જાહેર થયેલ વિદ્યાર્થીના અન્ય ચાર પરિવારજનોને પણ હોમ આઇસિલેશનમાં મુકાયા: અન્ય વિદ્યાર્થીના પરિવારજનો ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી સહિતના લોકોના પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ: હજુ પણ સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા દર્શાવતું તંત્ર
જામનગર જિલ્લાના જામજોધપુર રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ અને પરિવાર ચાર સભ્યો સહિત 17 લોકો કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે, અને તમામ વિદ્યાર્થીઓને તથા પોઝીટીવ આવેલ ચાર પરિવારજનને હોમ આઇશોલેશનમાં મૂકી દેવાયા છે. સાથોસાથ અન્ય વિદ્યાર્થીઓના પરિવારજનો તથા તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. ઉપલેટાની મધર પ્રાઇડ નામની શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે.
જામજોધપુરથી ઉપલેટા જતાં 34 વિદ્યાર્થીઓ પૈકી 13 વિદ્યાર્થી અને તેમના પરિવારના 4 સભ્યોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
આ અંગેની વિગતો એવી છે કે જામજોધપુર ટાઉનમાંથી એક ખાનગી સ્કૂલ બસમાં 34 જેટલા વિદ્યાર્થીઓ ઉપલેટા પાસે આવેલી મધર પ્રાઇડ નામની ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે, અને પ્રથમ ધોરણથી દસમા ધોરણ સુધીના જુદા જુદા વિદ્યાર્થીઓ પ્રતિદિન અપડાઉન કરે છે. જે પૈકી દસમા ધોરણની એક વિદ્યાર્થીની કે જે જામજોધપુરમાં રહે છે, તેણીને તાવ શરદીની અસર થઇ હોવાથી ગઈકાલે સોમવારે શાળાએ ગઈ ન હતી. જેનો કોવિડ રિપોર્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિદ્યાર્થીના પરિવારમાં ચિંતા પ્રસરી હતી. દરમિયાન તેના પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી હતી. જેથી જામજોધપુર રહેતા અને ઉપલેટાની શાળામાં અભ્યાસ કરવા જતા અન્ય 33 વિદ્યાર્થીઓને તાત્કાલિક ઉપલેટાની શાળાએથી જામજોધપુર બોલાવી લેવા, અને તમામના કોવિડ ટેસ્ટ કરાવવા માટે નિર્ણય લેવાયો હતો.
તાત્કાલિક અસરથી સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઈ આવ્યા પછી બપોરે એક વાગ્યે જામજોધપુરના આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકી સાથે વધુ 12 વિદ્યાર્થીના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી ભારે દોડધામ થઇ હતી, અને તમામ વિદ્યાર્થીઓને હાલમાં હોમ આઇશોલેશનમાં મૂકી દેવાયા છે.
સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અથવા તો તેમના પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી પણ હાથ કરી લેવામાં આવી હતી. જેમાં ચાર વાલીઓના પણ પોઝિટિવ રિપોર્ટ મળી આવ્યા છે, જેઓને પણ હોમ આઇશોલેશનમાં મૂકી દેવાયા છે.
જામજોધપુરના વિદ્યાર્થીઓના સંક્રમિત થયાના અહેવાલને પગલે ઉપલેટા પંથકમાં આવેલી શાળા કે જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનું અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાથી શાળાને તાત્કાલિક અસરથી મધર પ્રાઇડ નામની આ શાળાને બંધ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવા જાણકારી આપી દેવામાં આવી છે. ઉપરાંત શાળામાં સેનીટેશનન સહિતની પ્રક્રિયા હાથ ધરી લેવાઈ છે. ઉપલેટા તેમજ આસપાસના પંથકના વિદ્યાર્થીઓના પણ કોવિડ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જામનગર જિલ્લામાં એકીસાથે 13 વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત બની ગયા હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે. જેથી વિદ્યાર્થી આલમમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
સંક્રમિત તમામ વિદ્યાર્થી જામજોધપુરના: એક વિદ્યાર્થીના તબીબ પિતાએ દવાખાનું બંધ કર્યું
જામજોધપુરથી ઉપલેટાની સ્કૂલમાં અભ્યાસ માટે એક મિની બસમાં અપડાઉન કરતાં જે 34 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તે તમામ વિદ્યાર્થીઓ જામજોધપુરના જ રહેવાસી હોવાનું જાણવા મળે છે.
જે 13 વિદ્યાર્થીઓનો રિપોર્ટ ગઇકાલે સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. તેમાં એક વિદ્યાર્થીના પિતા ડોક્ટર છે અને જામજોધપુરમાં ખાનગી પ્રેકટીશ કરે છે. તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને તેઓએ તકેદારીના પગલાં રૂપે 10 દિવસ માટે પોતાનું દવાખાનું બંધ રહેવાની જાહેરાત પણ કરી હોવાનું જાણવા મળે છે.
કોન્ટેક્ટ ટ્રેસીંગ અને કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ હોવાથી સંક્રમિતોની સંખ્યા વધશે
એક સાથે એક જ સ્કૂલમાં અભ્યાસ માટે જતાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાના મામલે આજે જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલનો સંપર્ક કરતા તેઓએ સાંજ સમાચાર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર પરિવારજનો, અન્ય વિદ્યાર્થીઓ તથા નાગરિકોનો ડેટા જેમ જેમ મળતો જાય છે તેમ તેમ તે વ્યક્તિને બોલાવી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. પરિણામે કોરોના સંક્રમિતોનો આંક આ પ્રકરણમાં હજુ વધે તેવી પુરી શક્યતા જણાય છે.
એક વિદ્યાર્થીનું સેમ્પલ ઓમીક્રોનના ટેસ્ટ માટે મોકલાયું
ઉપલેટાની સ્કૂલમાં અભ્યાસ કરવા માટે બસમાં અપડાઉન કરતા 34 વિદ્યાર્થીઓ પૈકી 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું ગઇકાલે સાંજે જાહેર થયું હતું. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઇ આ 13 પૈકી એક વિદ્યાર્થીનું સેમ્પલ ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ? તે જાણવા ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હોવાનું પણ જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે જણાવ્યું હતું. જો તેનો રિપોર્ટ નેગેટીવ આવશે તો ચિંતા ઓછી થશે પરંતુ જો પોઝીટીવ આવશે તો અન્ય વિદ્યાર્થીઓ અને તેના સંપર્કને કારણે પોઝીટીવ આવેલા અને હજુ આવનાર સંભવીત લોકોના સેમ્પલ પણ ઓમિક્રોન વેરિયન્ટની ચકાસણી માટે લેબમાં મોકલવાની કામગીરી કરવાની રહેશે.
Comments
Post a Comment