શહેરમાં ગઇકાલે નવા 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ: જિલ્લામાં બે સપ્તાહ બાદ કોરોનાનો કેસ નોંધાયો
જામનગર તા.15:જામનગર શહેરમાં કોરોના ના મામલેની શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ જળવાયેલી રહી છે, ત્યારે ફરીથી શહેરી વિસ્તારના એકીસાથે છ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રની ચિંતા વધી છે, અને ફરીથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ફેલાયો છે, અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ની એન્ટ્રી થઈ રહી છે.
જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ગયા પછી ઉઘડતા અઠવાડિયે એટલે કે ગઈકાલે સોમવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ રહી હતી, અને જામનગર શહેરના આજે મંગળવારે એકીસાથે વધુ છ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતામા મુકાયું છે, અને ફરીથી આરોગ્ય વિષયક પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે.
ઉપરાંત નવા આવેલા છ કોરોના પોઝિટિવ કેસ મામલે તેઓના સંપર્કમાં આવનારા લોકોની પણ માહિતી એકત્ર કરીને આરોગ્ય વિષયક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અને કોરોનાનો સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હોમ આઇશોલેશન સહિતના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જામનગર શહેર પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના એ ફરીથી એન્ટ્રી કરી લીધી છે. એકાદ પખવાડિયાના વિરામ પછી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવ કેસ ની એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પોઝિટિવ કેસ નોંધાયો જેથી જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટૂકડી સતર્ક બની છે, અને કોવિડ ના સેમ્પલો લેવાનું શરૂ કર્યું છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના ટ્રાયલ વિભાગમાં ચાર દર્દીઓ કોરોના ના ટ્રાયલ વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે ઓમીક્રોન વેરિએન્ટ ત્રણ દર્દીઓ ડેન્ટલ હોસ્પિટલ ના બિલ્ડિંગમાં સારવાર મેળવી રહ્યા છે. જે ત્રણેય દર્દીઓના રી-સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેઓનો રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકોર્માઇકોસિસ ના એક દર્દીએ આજે જી.જી. હોસ્પિટલમાંથી રજા મેળવી છે, અને હાલ ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકર ના ત્રણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે ત્રણેય ની સર્જરી થઈ ચૂકી છે, અને હાલ ઇન્જેક્શન મારફતે સારવાર મેળવી રહ્યા છે.
Comments
Post a Comment