Skip to main content

કમોસમી વરસાદની આગાહી વચ્ચે તૈયાર પાક બચાવવા ખેડૂતોમાં ભાગદોડ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા: કપાસની પણ લણણી બાકી છે ત્યારે કમોસમી વરસાદથી મોઢે આવેલો કોળિયો ઝુંટવાય તેવી દહેશત: ખેડૂતોના પેટમાં ફાળ: પાક બચાવવા ખેડૂતો દિવસ રાત એક કરીને કામે લાગ્યા

જામનગર તા.18

કમોસમી વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર જિલ્લામાં ધાબળીયા વાતાવરણ વચ્ચે અનેક સ્થળે હળવા છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. એક તરફ મગફળી,કપાસ સહિતના ખેતી પાકના ખેતરોમાં પાથરા પડ્યા છે. આવા સમયે માવઠાએ મોકાણ સર્જતાં પાકમાં મોટે પાયે નુક્સાનીની ભીતિ સેવાઇ રહી છે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ જાય તેવી હાલત સર્જાતા ધરતીપુત્રોના પેટમાં ફાળ પડ્યો છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા જામનગર સહિત રાજયભરમાં કમોસમી વરસાદ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. આગાહી વચ્ચે અમુક સ્થળોએ તો હળવા છાંટા પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જ્યારે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો ચોમાસુ સિઝનનો પાક તૈયાર થયો છે. જેથી લાલપુર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર સહિત જિલ્લાભરના મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યાં છે. તો અમુક ખેતરોમાં થ્રેસર ચાલી રહ્યાં છે. આવા ખરા ટાંણે જ કમૌસમી વરસાદની આગાહી થતાં ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામી છે. ખેડૂતો દિવસ-રાત એક કરી ખેતપેદાશોને તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.


બીજી તરફ ખેતરોમાં કપાસનો પણ તૈયાર પાક લહેરાય રહ્યો છે. જો કમોૈસમી વરસાદ ત્રાટકશે તો સોના જેવા કપાસના પાક પર ઝેર સમાન થશે. આથી જગતનો તાત લોહી પાણી એક કરી તૈયાર કપાસ ઉતારી લેવા કામગીરી કરી રહ્યાં છે. એટલું જ નહીં ખેડૂતો પાસે તૈયાર માલ સાચવવાની પણ પુરતી વ્યવસ્થા ન હોવાથી તૈયાર માલના ખેતરો વચ્ચે અને ફળિયામાં ઢગલાં પડ્યાં છે. જેનો સંગ્રહ કરવામાં પણ સમસ્યા સર્જાઇ રહી છે.

એક બાજુ મજૂરોની ઘટ, તૈયાર માલ સાચવવા ગોડાઉનની ઘટ, શિયાળું સિઝનનો પ્રારંભ અને ચોમાસુ પાક તૈયાર થવાના સમયે જ બરોબર માવઠાએ મોકરાણ સજર્તા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

Comments