જામનગર તા.4
જામનગરમાં છેલ્લા કેટલાંય સમયથી રખડતા ઢોરનો ત્રાસ પ્રજાજનો ભોગવી રહ્યાં છે. ક્યારેક શેરી-મહોલ્લાઓમાં તો ક્યારેક ઘરમાં ઘુસી રખડતા ઢોરે પ્રજાજનોને ભયમાં મુક્યાં છે છતાં પણ મહાનગરપાલિકાએ કોઇ ગંભીરતા નહીં દાખવતા અને બેદરકારીભર્યા નિર્ણયો કરતા રખડતા ઢોરની ઢીંકે ચડેલા વધુ એક નાગરિકનું મૃત્યું થયું છે. મહાનગરપાલિકાએ તો પ્રજાજનોનો રોષ ઠારવા માટે પ્રજાના પૈસાનો વ્યય કરી જાહેરમાર્ગો પર 30 રોજમદારો રોકી પૈસાનું પાણી કરી નાંખ્યું પરંતુ શહેરની સ્થિતિ ‘જૈસે થે’ રહેવા પામી છે.
જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસનો છેલ્લા કેટલાંય સમયથી નિર્દોષ પ્રજા ભોગવી રહી છે. એમાંય વયોવૃધ્ધ અને બાળકો આસાનીથી હિંસક ઢોરનો ભોગ બનતા આવ્યા છે. છેલ્લા બે માસમાં આ રખડતા ઢોર શેરી અને ઘરમાં ઘુસી હિંસકનું વાતાવરણ ઉભું કર્યું હતું. પ્રજારોષ વધતાં મહાનગરપાલિકા સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે સુચારૂં આયોજન કરવાના બદલે પ્રજાનો રોષ ઠારવા માટે મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને ઉભેલાં રખડતા ઢોરને અન્ય જગ્યાએ ખદેડવા માટે રોજમદારો નીમી દીધા હતાં. પરંતુ સમસ્યા ઉકેલાવાના બદલે વધુ પેચીદી બની હતી કારણ કે મુખ્ય માર્ગો પરથી રોજમદારો આ ઢોરને શેરી-મહોલ્લામાં હાંકી કાઢતા પ્રજાજનો ભય બેવડાયો છે. આવી સ્થિતિ વચ્ચે ચાર દિવસ પૂર્વે વધુ એક નાગરિક આ રખડતા ઢોરનો ભોગ બન્યાં હતાં.
શહેરના કિશાનચોક વિસ્તારમાં મોદીનો વાડો, શ્રીકૃષ્ણ ભુવન નામના મકાનમાં રહેતાં પ્રવિણભાઇ બાબુભાઇ નંદા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગત્ તા.31મીના રોજ સાંજના ચાડા ચારેક વાગ્યે લાખોટા તળાવના ગેઇટ નંબર 2 થી 3 વચ્ચે આવેલા ચબુતરામાં ચણ નાખવા માટે પહોંચ્યાં હતાં. એ દરમિયાન એક ગાયએ પ્રવિણભાઇને જોરદાર ઢીંક મારી દેતા તેઓ નીચે પટકાયા હતાં. જેમાં તેઓને માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન એક મહિલાને રખડતા ઢોરે બેરહેમીપૂર્વક ઢીંક મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય એક મકાન અંદર ઘુસી જઇ ભય ઉભો કર્યો હતો. આ બનાવના પગલે મહાનગરપાલિકાએ રોજમદારો રાખી રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના પ્રયાસો કર્યા હતાં પરંતુ આ પ્રયાસો પૈસાનું પાણી સાબિત થયા હોય તેમ રખડતા ઢોરે વધુ એક ઘરના મોભીને પરધામ પહોંચાડ્યા છે. આ બનાવના પગલે શહેરમાં ફરી એક વખત ભય ઉભો થયો છે.
Comments
Post a Comment