રેલ્વે કર્મચારીની પત્નીના અંતિમ પગલા પાછળ ઘુટાતુ રહસ્ય: પોલીસે હાથ ધરી તપાસ: મૃતક મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું: બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ
જામજોધપુરમાં સગર્ભાએ પાંચ વર્ષીય પુત્રને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રેલ્વે કર્મચારીની પત્નીના પુત્રને સાથે રાખીને કરવામાં આવેલા આપઘાતને લઇને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રેલ્વે અને સ્થાનિક પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બનાવનું કારણ બહાર આવ્યું નથી પરંતુ રેલ્વે દ્વારા મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત કરનાર મહિલાના લગ્ન ગાળો સાડા છ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.
જામજોધપુરમાં ગઇકાલે માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઇ રહેલ પોરબંદર-રાજકોટ પેશેન્જર ટ્રેન હેઠળ ઝંપલાવી સોનલબેન યોગેશભાઇ ભેડા (ઉ.વ.30) નામની મહિલાએ પોતાના પાંચ વર્ષીય પુત્ર મયંકને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પ્રથમ પોતાના પુત્ર મયંકને ધસમસતી ટ્રેન આગળ ફેકી દીધા બાદ પોતે પણ અંતિમ કુદકો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના આરસામાં રેલ્વે સ્ટેશનની નજીકની કોલોની સામેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મહિલા પોતાના પુત્રને લઇને રેલ્વે ટ્રેક પહોંચ્યા હતા અને ધસમસતી ટ્રેન નીચે ઝંપલાવી અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકના પતિ યોગેશ ભેડાએ રેલ્વેમાં ટ્રોલીમેન તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની જાણ થતા જામજોધપુર પોલીસ અને રેલ્વે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણ-ચાર કટકામાં ફેરવાયેલા મહિલાના મૃતદેહ અને તેના માસુમ પુત્રના દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની કરૂણતા એ છે કે, મૃતક સોનલબેન ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ગર્ભમાં સંતાનને અવતાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યું થયું છે. આ બનાવની જાણ થતા રેલ્વે કર્મચારી યોગેશભાઇ અને તેનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. યોગેશભાઇ અને મૃતક સોનલબેનના સાડા છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. આ લગ્ન ગાળા દરમ્યાન મયંકરૂપે પુત્રનો જન્મ થયો હતો. યોગેશભાઇના પિતા પણ રેલ્વે કર્મચારી તરીકે ફરજ બજાવી ચુકયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે બનાવ પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે આ બનાવ અંગે મૃતક મહિલા સામે ગુન્હો દાખલ કરી વિધિવત તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment