જામનગર પંથકમાં ખેડૂતોના સોના જેવા પાકને પાછોતરા મેઘનો કાટ: ભારે પવન સાથે ત્રાટકેલા તોફાની વરસાદથી હજારો હેકટર જમીનમાં ઉભેલી મોલાતને નુકશાન: પાછોતરા વરસાદે બાજરી, કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વાળી દીધો: જામનગર જિલ્લામાં આભ ફાટે ત્યાં થીગડુ કયાં મારવું? જેવી સ્થિતિથી જગતનો તાત મુશ્કેલીમાં
છેલ્લા કેટલાય સમયથી હાલાર પંથકમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે પાછોતરો વરસાદ ખેડૂતોના સોના જેવા પાક પર ઝેર સમાન સાબિત થતા ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તોફાની પવન સાથે ખાબકેલા વરસાદને પગલે ખેડૂતોના કપાસ, આોગતરૂ વાવેતર કરેલ મગફળી તલ સહિતના પાકનો સોથ વળી ગયો છે.
જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ગત તા.12 અને 13ના રોજ ત્રાટકેલા વરસાદથી જાળહોનારત જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસ વરાપ રહ્યા બાદ ફરી જિલ્લાભરમાં અનેક સ્થળોએ છુટા છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારથી માંડી આજ સુધી કયાંક ધીમી ધારે તો કયાંક સાંબેલાધાર વરસાદ નોંધાયો હતો. જેથી જામનગર જિલ્લામાં ઠેર-ઠેર પાણી...પાણી...ના દ્રશ્યો સર્જાયા હતા. આ ખાનાખરાબીમાં વ્યાપક નુકશાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ચાલુ સિઝનમાં જામનગર પંથકમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો હતો. જેથી બાજરી, કપાસ, મગફળી સહિતનો પાક મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ ભાદરવે ભરપૂર મેઘમહેર થતા મુરઝાતી મોલાતોમાં નવા પ્રાણ પુરાયા હતા.
આથી હાલારભરના ખેડૂતો હરખાયા હતા. પરંતુ ગત તા.12 અને 13ના રોજ જામનગરમાં જળહોનારત જેવી ભયંકર સ્થિતિ સર્જાતા ખેતીપાક બચાવવાનું તો દૂર રહ્યું લોકો અસ્તિત્વ ટકાવવા પણ ઝઝુમી રહ્યા હતા. અતિવૃષ્ટિીથી નુકસાનીની કળ વળી ન હતી ત્યાં ત્રણ-ચાર દિવસ ફરી વરસાદ શરૂ થયો હતો. જે આજ સુધી અનેક વિસ્તારોમાં થોડા ઘણા વિરામ બાદ અવિરત રહેતા ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે પવન અને વરસાદથી બાજરી, કપાસ સહિતનો પાક આડો પડી ગયો હતો. આ ઉપરાંત ખેતરમાં પાણી ભરાયેલા રહેતા અમુક વિસ્તારોમાં તો પાક સડી ગયો હોય તેવી સ્થિતિ જન્મી છે. આથી ખેડૂતોના લહેરાતા પાક ઉપર પાછોતરો વરસાદ ઝેર બનીને વરસતા જગતના તાતને મોઢે આવેલો કોળિયો ઝુંટવાઇ ગયો છે. આગામી 15થી 20 દિવસમાં પાકની લાગણીનો સમય આવી જશે ત્યારે આ પાછોતરા વરસાદથી હજારો હેકટર ખેતી પાકોમાં નુકશાની થઇ છે. જેથી ખેડૂતોમાં નિરાશા જન્મી છે. હાલ જામનગર પંથકમાં આભ ફાટે ત્યા થીગળુ કયા મારવું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Comments
Post a Comment