સુરેન્દ્રનગરમાં 15 દિવસથી ધામા નાખી બનાવ્યો હતો લુંટનો પ્લાન: રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે આરોપીઓને: પખવાડીયાથી સુરેન્દ્રનગરમાં ધામા નાખી આરોપીઓએ બનાવ્યો લુંટનો પ્લાન: એરગન, છરીઓ સહિતના હથિયારો સાથે પોલીસે દબોચી લીધા: સાત પૈકી બે આરોપીઓનો ગંભીર ગુન્હાહિત ઇતિહાસ
જામનગર તા.1: જામનગર જિલ્લાના લાલપુરના મુખ્ય સુત્રધાર એવા શખ્સે અન્ય છ શખ્સોની સાથે મળી સુરેન્દ્રનગરની પેઢીને લુંટવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. છેલ્લા એક પખવાડીયાથી સુરેન્દ્રનગરમાં ધામા નાખી આરોપીઓએ પેઢી લુંટવાની રેકી પણ કરી હોવાનું સામે આવ્યું છે. બે માસ પૂર્વે પણ આ જ ટોળકીએ લુંટનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. સાત પૈકીના બે આરોપીઓ હત્યા અને છેતરપીંડી તેમજ લુંટ સહિતના ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
સુરેન્દ્રનગરમાં મરાઠી સુભાષ સોનીની પેઢી સોનાના દાગીના બનાવવાનું મોટુ કામ કરે છે. આ બાબતની સોનાનું કામ કરતા વિપુલ ઉર્ફે લાલો ભુપેન્દ્રભાઇ ખીચડને ધ્યાને આવ્યું હતું. મજૂરી કામ કરવાથી પૈસાદાર નહી બનાય એમ લાગતા વિપુલે તેના મિત્ર હરેશ અને અજીતસિંહને સોનાના દાગીના વિશે જાણ કરી હતી. આ ત્રણેય મિત્રોએ અન્ય મિત્રો સાથે મળી પેઢીને લુંટવાનો કારસો રચયો હતો. જેને લઇને સાતેય આરોપી સુરેન્દ્રનગર ભેગા થયા હતા. દરમ્યાન આરોપીઓની હીલચાલ અંગે પોલીસને ભનક આવી હતી. જેને લઇને ગઇકાલે શહેર પોલીસે રિવરફ્રન્ટ પાસેથી પોલીસે હથિયારો સાથે લુંટની વેતરણમાં રહેલ ઉપરોકત ત્રણ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સાગરદાન મુળુભાઇ પાટી, અભિષેકભાઇ ઇશ્ર્વરદાન સુરૂ, રાજભાઇ મુળુભાઇ મોરી, રજનીકભાઇ બાબુભાઇ કાનાણીનામના શખ્સોને પોલીસે પકડી પાડયા છે. પોલીસે આરોપીઓના કબ્જામાંથી એરગન અને છરી સહિતના ઘાત્તક હથિયારો કબ્જે કર્યા હતા. પ્રાથમિક પુછપરછમાં આ આરોપીઓ શિવાજી નામના પેઢીના માલિક સુભાષ સોનીને લુંટવાની વેતરણમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સાતેય સામે ધાડ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પૈકી જામનગરના શખ્સે સમગ્ર વારદાતને અંજામ આપવાનો પ્લાન ઘડી કાઢયો હતો અને સાતેય આરોપીઓએ મળીને લુંટ બાદ કઇ રીતે શહેર બહાર નિકળવુ અને કઇ રીતના સંપર્ક કરવો તેની પણ ત્ કરી લીધી હતી. આ પ્લાન અગાઉ પણ આરોપીઓએ બે વખત પેઢીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમા સફળતા ન મળી હતી. સોનાનો મોટો જથ્થો લુંટી લેવાના તમામ આરોપીઓ છેલ્લા એક પખવાડીયાથી સુરેન્દ્રનગરની હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ 15 દિવસના ગાળા દરમ્યાન આરોપીઓએ રેકી પણ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. સાત પૈકીના બે આરોપીઓ અગાઉ હત્યા અને લુંટ પ્રકરણમાં જેલવાસ ભોગવી ચુકયા હોવાનું પણ સામે આવ્યું છે.
આ વારદાત ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં લુંટ સહિતના ગુન્હાઓમાં આ ટોળકી સંડોવાયેલી છે કે કેમ તેનો તાગ મેળવવા પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ શખ્સોને આજે સુરેન્દ્રનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Comments
Post a Comment