વર્ષ 2016 અત્યાર સુધીમાં મળેલી કુલ અરજીઓમાંથી 24 હજાર અરજીનો નેગેટીવ નિકાલ, હજુ હજારો અરજીઓ પેન્ડિંગ: જટિલ પ્રક્રિયા સાથે કામગીરીની ધીમી ગતિ
જામનગર તા.1
જામનગર જિલ્લામાં લેન્ડ રી-સરવે માટે તંત્રને 47 હજારથી વધુ વાંધા અરજીઓ મળી છે. સરકારે 5 વર્ષમાં 4 વખત વાંધા અરજી સ્વીકારવા મુદ્દત વધારી હતી. હવે આ મુદ્દત પુરી થઈ છે. આ 47 હજાર અરજીઓમાંથી 24 હજાર અરજીઓનો નેગેટિવ નિકાલ થયો છે. જોકે હજુ હજારો અરજીઓ પેન્ડિંગ છે.
સરકારે વર્ષ 2011-12માં જામનગર જિલ્લાના ખેતીની તમામ જમીનના સરવે નંબરો બદલવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેકટનું કામ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટમાં અપાયું હતું. આ આધુનિક રી-સર્વેનો મહાત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ અમલમાં બાદ તેમાં ભારે ભૂલો હોવાની ફરિયાદો ઉઠી હતી. જે તે સમયે આ નવો સરવે અધિકારીઓએ એસી ઓફિસમાં બેસી બનાવ્યો હોવાના આક્ષેપો થયેલા, ઉપરાંત આ પ્રોજેકટમાં સરવેમાં મોટા પાયે ભૂલો હોવાની વાત સામે આવેલી. બાદમાં આ ક્ષતિઓનો સ્વીકાર થતા સરકારે વર્ષ વાંધા સૂચન માટે અરજીઓ મંગાવી હતી. વર્ષ 2015-16થી વાંધા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારે વાંધા અરજી સ્વીકારવાની મુદ્દત 4 વખત વધારી હતી. હવે આ મુદ્દત પૂર્ણ થઈ છે.
તંત્રનો દાવો છે કે, જેમ-જેમ અરજીઓ આવતી ગઈ તેમ-તેમ તેનો નિકાલ કરવા પ્રયત્નો થયા છે. કુલ મળેલી વાંધા અરજીઓ પૈકી 24 હજાર અરજીઓનો નિકાલ થઈ ગયો છે. જોકે, હજુ હજારો ફરિયાદોનો નિકાલ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી સરવેયરો અને અધિકારીઓ ફાળવીને ખાસ કામગીરીની ઝુંબેશ યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને કામ એટલું લાબું હતું કે, વાંધા અરજી કરવાની મુદત સરકારે ચાર વખત વધારવી પડી હતી. પરંતુ ગઈકાલે સરકારે વધારેલી છેલ્લી મુદત પણ પુર્ણ થઈ હતી. હાલ મળેલી 34,030 અરજીઓમાં માપણીનું કામ પૂર્ણ થયું છે. પરંતુ માત્ર 8,589 અરજીઓનો જ હકારાત્મક નિકાલ થઈ શક્યો છે. 13 હજાર અરજીઓમાં તો હજુ માપણી પણ બાકી છે. જેથી અગામી દિવસોમાં સરકાર ખેડુતોની તકલીફ નિવારવા પુન: મુદત વધારે છે કે, કેમ ? તે જોવાનું રહ્યું. જોકે તંત્રના અધિકારો જણાવી રહ્યા છે કે, હજુ પણ તંત્ર ખેડૂતોને સાંભળશે, તેમની પાસે હજુ પણ રસ્તા ખુલ્લા છે.
Comments
Post a Comment