કલેકટર કચેરીએ મળેલા પત્રના આધારે બોમ્બ સ્ક્વોર્ડ-એસઓજી સહિતની ટુકડીએ ડબ્બો ખોલાવતાં કશું વાંધાજનક મળ્યું ન હોવાથી હાશકારો: પોલીસે પત્ર લખનારની શોધખળ હાથ ધરી
જામનગર તા.18
જામનગરના ડી.કે.વી. સર્કલ વિસ્તારમાં આવેલા એક પોસ્ટના ડબ્બામાં બોમ રખાયો છે, અને ટીક ટીક અવાજ આવી રહ્યો છે. તેવો પત્ર જિલ્લા કલેકટરને મળ્યા પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસ.ઓ.જી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીટી બી ડિવિઝનની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પોસ્ટ નો ડબ્બો ખોલાવી અંદર નિરિક્ષણ કરતાં માત્ર ટપાલો જોવા મળી હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં એક પત્ર મળ્યો હતો જેમાં ડીકેવી સર્કલ વિસ્તારમાં પોસ્ટ નો ડબ્બો આવેલો છે, જે ડબ્બા ની અંદર બોમ્બ પ્લાન્ટ કરાયો હોય અને તેમાંથી ટીક ટીક અવાજ આવી રહ્યો છે, તેવો ઉલ્લેખ કર્યો હોવાથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં એસઓજીની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુનાશોધક શ્વાનની ટુકડી, તથા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સૌ પ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તેમજ પોસ્ટનો ડબ્બો ખોલાવી નાખી અંદર નિરીક્ષણ કર્યું હતું.
જોકે અંદરથી કશું વાંધાજનક મળ્યું ન હતું, અને માત્ર થોડી ઘણી ટપાલો હતી. જે પોસ્ટ તંત્રના કર્મચારીઓને બોલાવીને સુપરત કરી દીધી હતી. સમગ્ર કવાયત પછી કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ કોના દ્વારા આ પત્ર લખાયો છે? તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.
Comments
Post a Comment