ગઇકાલે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે સકળસંઘ દ્વારા નમસ્કાર મહામંત્ર શરૂ કરાયા હતાં: સમાધી અવસ્થામાં રાત્રે 10:25 કલાકે કાળધર્મ પામ્યા: મોટી સંખ્યામાં દિક્ષાર્થીઓ ઉપરાંત શ્રાવકો અંતિમ દર્શને પહોંચ્યા: આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે પાલખીયાત્રા
જામનગર તા.6
જામનગરના ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે ગઇરાત્રે પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યશ્રી મહારાજ સાહેબ સમાધી અવસ્થામાં કાળધર્મ પામ્યા હતાં. તેઓની પાલખીયાત્રા આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે. પાલખીયાત્રા પૂર્વે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી થશે.
પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતાં જામનગરમાં ઓશવાળ કોલોનીમાં આવેલ દેરાસર-ઉપાશ્રય ખાતે તેઓની પધરામણી કરાવવામાં આવી હતી. ગઇકાલે સાંજે તેઓની તબિયત વધુ બગડી હતી. પરિણામે જૈન શ્રાવક અને શ્રાવિકાઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. ગઇકાલે રાત્રે સકળશ્રી સંઘના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રમણ અને શ્રવણ કરતા કરતા તેઓ 10:25 કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતાં.
શ્રી વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર મળતા જૈન સમાજના શ્રેષ્ઠીઓ, શ્રાવકો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે આજે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી થશે અને બાદમાં સાંજે 4:00 વાગ્યે અહિંથી પાલખીયાત્રા નિકળશે.
શ્રી વજ્રસેનવિજયજી મ.સા. 80 વર્ષની ઉંમરના હતાં અને ઘણાં સમયથી હાલાર પંથકમાં વિહાર કરતા હતાં. ગત્ વર્ષનો ચાતુર્માસ તેઓએ જામનગરના ચાંદીબજાર દેરાસર-ઉપાશ્રય ખાતે કર્યો હતો અને છેલ્લે તેઓ ખંભાળિયા નજીક આવેલા આરાધનાધામ ખાતે બિરાજતા હતાં.
Comments
Post a Comment