વોડીસાંગ-ફૂલઝર-1 અને બાલંભડી ડેમ ઓવરફ્લો થયા: ઉમિયા સાગર અને ફુલઝાર કો.બા. ડેમના પાટિયા ખોલવા પડ્યા
જામનગર તા.26:
જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામજોધપુર પંથકમાં રવિવારે પડેલા ભારે વરસાદના પગલે ચાર જળાશયો ઓવરફલો થઈ ગયા છે, જ્યારે બે ડેમ ના પાટીયા ખોલવા પડ્યા છે. જે સંજોગોમાં ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસ વિસ્તારમાં રહેતા આશરે 20 જેટલા ગામોના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે ની ચેતવણી અપાઈ છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં રવિવારે બપોર પછી સાંબેલાધાર વરસાદ વરસી ગયો હતો. જેમાં ખાસ કરીને જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં કડાકા-ભડાકા સાથે આભ ફાટયું હતું, અને 10 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયાના અહેવાલો છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ 7 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં તમામ નદી-નાળાઓ છલકાઈ ગયા છે જેના અનુસંધાને જામજોધપુર નો સોરઠી ડેમ ઓવરફલો થઇ ગયો હતો. ઉપરાંત ઉમિયા સાગર ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી આવી ગયું હોવાથી ઉમિયા સાગર ડેમ ના દસ દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, અને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેને લઇને ઉપરોક્ત ડેમના હેઠવાસ વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે.
આ ઉપરાંત જામજોધપુર પંથકમાં ફુલઝર કો.બા. ડેમમાં વ્યાપક પ્રમાણમાં આવક થઇ હોવાથી ડેમના સાત દરવાજા સાડા પાંચ ફૂટ જેટલા ખોલવા પડ્યા છે, અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ઉપરોક્ત ડેમના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા ગ્રામ્યજનોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે.
આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી, અને ગ્રામ્ય પંથકમાં 5 થી 6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેના કારણે વોડીસંગ ફુલજર-1 અને બાલંભડી ડેમ ઓવરફલો થઇ ગયા છે, અને દેમના પાળા ઉપરથી ધસમસ્તા પાણીનો પ્રવાહ જઇ રહ્યો હોવાથી ઉપરોક્ત ત્રણેય ડેમ ના હેઠવાસ વિસ્તારમાં રહેતા નાગરિકોને પણ સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવડ જામજોધપુર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે અન્ય છ જળાશયોમાં નવા નીર આવ્યા છે, અને વરસાદ હજુ પણ ચાલુ હોવાથી ડેમોમાં પાણીની આવક અવિરત ચાલુ રહી છે.
જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.તેમાં કાલાવડ તાલુકાના કુલઝાર -1 ડેમ છલકાયો છે.આથી હેઠવાસ ના ગામો ગોલાણીયા ,ખંઢેરા ,નાગપુર અને વાડીસંગ ગામ ના લોકો ને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર નહીં કરવા સુચના આપવામાં આવી છે.
ઉપરાંત કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ પણ છલકાવવા ની તૈયારી માં છે .આથી જસાપર , બાવા , ખાખરીયા, વિરવાવ ,જીવાપર , સતીયા , સોરઠા , નાગાજણ, ગામ ના લોકો ને નદીના પટમાં નહિ જવા અને અવાર જવાર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જામનગર તાલુકાના ધુડસીયા નજીક નો વડીસાંગ ડેમ પણ છલકાઈ ગયો છે. આથી ડેમ ની હેઠવાસમાં ના ધૂળસીયા ,ધુતારપર ,સુમરી ગામ ના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જામજોધપુર તાલુકા નો ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થયો છે.આથી ડેમ ના દરવાજા ખોલવા માં આવ્યા છે. પરિણામે હરિયાસણ ,ખારચીયા,ચારેલીયા , રાજપરા રબારીકા ,વગેરે ગામ ના લોકો ને સાવચેત રહેવા સૂચના આપવા માં આવી છે.
Comments
Post a Comment