કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરતી કરાયેલા એટેન્ડન્ટોમાંથી અનેકને છૂટા કરી દેવાતા વરસી આક્ષેપોની ઝડી: પગાર સહિતના મુદ્દે કલેકટર તંત્રને આવેદનપત્ર આપતી વખતે કરાયા ચોંકાવનારા આક્ષેપ: હોસ્પિટલ તંત્રએ આક્ષેપોને નકાર્યા
જામનગર તા.16
જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરાયેલા અનેક એટેન્ડન્ટને અચાનક છૂટા કરી દેવાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખાસ કરીને નોકરી બાબતે આવેદન આપતી વખતે નોકરી ગુમાવનાર મહિલા કર્મચારી દ્વારા પગાર ન થવા ઉપરાંત યૌન શોષણ કરાતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેને કારણે જી.જી.હોસ્પિટલ વધુ એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. જો કે નોકરી ગયા બાદ કરાયેલા યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી એટલું જ નહીં હોસ્પિટલ તંત્રએ તેઓ સમક્ષ કોઇ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં આવી હોવાનો ખુલાસો કર્યો છે.
જામનગરમાં કોરોનાની બીજી લહેર જયારે કહેર વર્તાવી અર્હી હતી ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાના દર્દીઓનો પ્રવાહ જી.જી.હોસ્પિટલ તરફ વળ્યો છે. જેને લઈને જી.જી.હોસ્પિટલના પ્રસાસનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઇ હતી આ હાલતને લઈને તાત્કાલિક 800 કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઇઝ પર ભરતી કરવામાં આવી હતી.
કોન્ટ્રાકટ કર્મચારીઓની હાજરી વચ્ચે દર્દીઓથી ઉભરાયેલ ઘડીમાં પણ જીજી હોસ્પિટલ પ્રશાસનનો વહીવટ સારી રીતે પાર પડયો હતો. હવે જયારે બીજી લહેર સમાપ્તિ પર છે ત્યારે કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવેલ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને વિવાદ શરુ થયો છે. પગાર ચૂકવ્યા વગર અને નોટીસ આપ્યા વગર જ સ્ટાફને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. ગંભીર બાબત એ છે કે જે સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે તેમની મહિલા કર્મચારીઓએ શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ ઉઠાવી છે.
આ બાબતે કલેકટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોવીડની સારવાર હોય કે આગની ઘટના હોય જી.જી.હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં ટોકિંગ પોઈન્ટ બની છે. ત્યારે મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. જો કે હોસ્પિટલ પ્રસાસન વતી ઇન્જર્ચા સુપ્રિ. ડો. ધર્મેશ વસાવડાએ એવું કહી આક્ષેપનું ખંડન કર્યું હતું કે કોવીડ હોસ્પિટલમાં સ્ટાફ માટે નોડલ અધિકારીની નિમણુક પણ કરવામાં આવી છે આ મહિલાકર્મીઓએ આ જવાબદાર અધિકારીઓને આક્ષેપ કર્યા નથી. છતાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ અને તેને સંલગ્ન એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ભૂતકાળમાં પણ યૌન શોષણોના આક્ષેપો થયા હતાં. ખાસ કરીને એક પ્રોફેસર દરજ્જાની વ્યક્તિએ તબીબી છાત્રાઓને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી તેનો ગેરલાભ ઉઠાવ્યાની વર્ષો અગાઉ પણ ફરિયાદ ઉઠી હતી. આ મામલે આ પ્રોફેસર સામે ઉચ્ચ સ્તરિય તપાસ પણ થઇ હતી અને ખાતાકીય કાર્યવાહી સામે કોર્ટનું શરણું તેણે લીધું હતું. જો કે આ કથિત ઘટનાને બે દાયકા કરતા વધુ સમય થઇ ગયો છે પરંતુ હોસ્પિટલ અને કોલેજમાં આવા આક્ષેપો થવા એ નવી વાત નથી.
Comments
Post a Comment