જામનગર તા.2:
કોરોનાને લઇને રાજય સરકાર દ્વારા અપાયેલી સુચનાને લઇને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જે એસ.ટી.ના રૂટો બંધ કરાયા હતા. તેમાથી ફરી પાછુ મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાને લઇ 124 શેડયુલોના 447 ટ્રીપો કાર્યરત કરી હોવાનું એસ.ટી. ડિવિઝનના ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું હતું.
જામનગર એસ.ટી.ડિવિઝનના ટ્રાફિક અધિકારી ડાંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, 4જૂનથી 230 ટ્રીપોનો વધારો કરવામાં આવ્યો છે. જેથી એસ.ટી.ડિવિઝન દ્વારા 70 ટકા સંચાલન કાર્યરત થઇ જશે. સરકારની કોરોનાની ગાઇડલાઇનની અમલવારી સાથે એસ.ટી.બસનો વ્યવહાર કાર્યરત કરેલ છે. હાલમાં શાળા-કોલેજો બંધ હોવાને લઇને વિદ્યાર્થીઓ માટેની એસ.ટી.ની ટ્રીપો ચાલુ કરવામાં આવેલ નથી. જે સ્કુલો ખુલતા જ રાબેતા મુજબ એસ.ટી. બસો ચાલુ કરી દેવામાં આવશે. હાલના સમયમાં 51 ટકા સંચાલન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 124 શેડયુલ ઉપર 447 એસ.ટી.ની બસોની ટ્રીપો દોડતી કરી દેવાઇ છે.
જામનગર એસ.ટી.ડિવિઝન હસ્તક પાંચ એસ.ટી.ડેપો આવેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા એસ.ટી.ડેપો દ્વારા ગુજરનગરી 4, એકસ્પ્રેસ બસ 2, લોકલ 41 મળી કુલ 47 ટ્રીપો કાર્યરત કરી છે. ખંભાળિયા એસ.ટી.ડેપો દ્વારા ગુજરનગરી 6, એસ્પ્રેસ 4 અને લોકલ 55 મળી કુલ 65 એસ.ટી. રૂટ કાર્યરત કર્યા છે. જયારે જામનગર એસ.ટી.ડેપો દ્વારા કુલ 174 ટ્રીપો કાર્યરત કરી છે. જેમા સ્લીપર બસ ચાર, ગુજરનગરી 11 બસ, એકસ્પ્રેસ બસ 17 અને 142 લોકલ બસની ટ્રીપો કાર્યરત કરી છે. ધ્રોલ એસ.ટી.ડેપો દ્વારા કુલ 111 ટ્રીપો દોડતી થઇ છે. જામજોધપુર એસ.ટી.ડેપો દ્વારા કુલ 50 એસ.ટી. બસો રૂટ ઉપર દોડતી કરવામાં આવી છે. જેમાં સ્લીપર બસ 2, ગુજરનગરી 8, એસ્પ્રેસ બસ 4 અને લોકલ બસ 36 કાર્યરત થઇ છે. આમ જોઇએ તો જામનગર એસ.ટી.ડિવિઝન દ્વારા સ્લીપર બસ 6 મુસાફરો માટે મુકવામાં આવી છે. ગુજરનગરી 37 બસો, એકસ્પ્રેસ બસ 39 અને 365 લોકલ બસ સેવા શરૂ કરી હોવાનું જામનગર એસ.ટી. ડિવિઝનના ટ્રાફિક અધિકારી વી.બી.ડાંગરે જણાવ્યું હતું.
Comments
Post a Comment