Skip to main content

સમૂહ ખેતી થકી સમૃદ્ધિ તરફ પગરણ માંડતા લાલપુર તાલુકાના 25 ખેડૂતો

ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતો 324 વીઘામાં કરે છે સમૂહ ખેતી: સરકારની વિવિધ યોજનાઓના લાભ સાથે બાગાયતી પાકોની ખેતી થકી મેળવે છે પ્રતિ વીઘા 50 હજારનો નફો



જામનગર તા.8:

રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે.  ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવી વિચારધારા થકી હાલ જામનગરના ખેડૂતો પણ સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે. 

જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામ ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતો પોતાની 324 વીઘા જેટલી જમીન પર સમુહખેતીના વિચાર સાથે ખેતી કરી રહ્યા છે. 



આ 25 ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ અને અન્ય બાગાયતી પાકોની ખેતી કરી પ્રતિ વીઘા 50 હજારથી વધુ નફો મેળવી રહ્યા છે. સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે. આ સમૂહ પોતાના સમૂહના કોઈપણ ખેડૂતને ખેતીમાં પડતી કોઈપણ મુશ્કેલી, મૂંઝવતા પ્રશ્નો કે સરકારની યોજનાઓની માહિતી, તે અંગે માર્ગદર્શન મેળવવાથી લઈ વેચાણ દરમિયાન વ્યાપારીઓની મુલાકાત, સારા ભાવ મેળવવા અંગે પણ એકબીજાને મદદરૂપ બને છે. આ સમૂહના ખેડૂતો આધુનિક ખેત પદ્ધતિ અને સાધનો જેવા કે ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ક્રોપ કવરનો ઉપયોગ કરી પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણનો લાભ મેળવી રહ્યા છે. 

મલ્ચીંગ વિશે જણાવતા આદમભાઈ સપીયા કહે છે કે, તરબૂચના પાકમાં જમીનમાંથી ભેજનું પ્રમાણ ખૂબ અગત્યતા ધરાવે છે ત્યારે મલ્ચીંગ દ્વારા ઓછા પાણીએ જમીનમાં ભેજ જળવાય છે અને પાકને જરૂરિયાત સમયે આ ભેજનો લાભ મળી રહે છે. સાથે જ આ વર્ષે અનેક વિસ્તારોમાં તરબૂચમાં ફૂગજન્ય રોગ જોવા મળેલ છે, જે મલ્ચીંગના કારણે અમારા સમૂહના ખેડૂતોના તરબૂચના પાકમાં લાગી શક્યો નથી. મલ્ચીંગના કારણે નિંદામણ પણ ખૂબ ઓછૂં થઇ જાયા છે. આમ મલ્ચીંગ પાકની સાચવણીને અને તેના વિકાસ બંને માટે ફાયદાકારક છે.

તો ક્રોપ કવરના લાભ વિષે જણાવતા અશરફભાઇ સપીયા  કહે છે કે, ક્રોપ કવર દ્વારા ખેડૂતને વીઘે આઠ હજાર જેટલો જંતુનાશક દવાઓનો ખર્ચો બચે છે. જીવાત નિયંત્રણ માટે ક્રોપ કવર મીની ગ્રીનહાઉસ જેવું કામ આપે છે. આબોહવાના ફેરફારો સમયે પણ પાકની જાળવણી કરવામાં મદદરૂપ બને છે. તદુપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ ઘટતા લોકોને વધુ ગુણવત્તાલક્ષી પાક મળે છે. ક્રોપ કવરના કારણે ઉત્પાદનમાં પણ અમને 2 થી 4 ટનનો વધારો મળ્યો છે. વળી સરકાર દ્વારા પણ બાગાયત વિભાગની ક્રોપ કવર માટેની 50 ટકા જેટલી સબસિડી ઉપલબ્ધ હોવાથી ખેડૂતને પાકની ઉત્પાદન પ્રક્રિયાના ખર્ચમાં અને ગુણવત્તામાં બંનેમાં ખૂબ જ ફાયદો મળી રહે છે.

મલ્ચીંગ અને ક્રોપ કવરના ફાયદાથી આ સમૂહના ખેડૂતોને એક વીઘાએ 7 થી 8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મળ્યું છે. આ સમગ્ર પાક સુરત, અમદાવાદ, ડીસા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે. 

આ સમૂહ દ્વારા તરબૂચ, ટેટી ઉપરાંત મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી વગેરે જેવા શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. હાલ સુધીમાં આ સમૂહ દ્વારા 65થી 70 હજાર ટન તરબૂચનું વેચાણ કરવામાં આવેલ છે. 

આ સમૂહના ખેડૂતો પોતાની સમૃદ્ધિનો શ્રેય સરકારશ્રીની વિવિધ યોજનાઓને આપે છે. આ સમૂહ દ્વારા સરકારશ્રીની બાગાયત વિભાગની પાણીના ટાંકા, ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ગ્રો કવર, પેકિંગ વગેરેને લગતી સહાયનો લાભ લેવામાં આવેલ છે. ધરતીપુત્રોના પરિશ્રમ અને ધરતીપુત્રોની સતત પડખે રહેનાર સંવેદનશીલ અને દૂરંદેશી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણયોના સમન્વયથી જ ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, વિકાસ અને ગુણવત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.