જામનગર શહેરમાં ઘટાડીને 2303ના ટેસ્ટીંગમાં પણ 397 અને ગ્રામ્યમાં 1533 ના ટેસ્ટમાં 332 નો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો: શહેરના 301 અને ગ્રામ્યના 277 દર્દી થયા સ્વસ્થ: ગઇકાલે સત્તાવાર રીતે શહેરના 9 અને ગ્રામ્યના 7 દર્દીના મૃત્યુંને પગલે સરકારી ચોપડે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 239
જામનગર તા.7
જામનગરમાં તંત્રના બોલ બચ્ચન અને કહેવાતા કડક પગલાં વચ્ચે પણ કોરોનાની મહામારી ઘટવાનું નામ લેતી નથી. ગઇકાલે સતત આઠમાં દિવસે કોરોનાના 700 થી વધુ કેસ નોંધાયા હતાં. 729 પોઝીટીવ કેસ સામે 578 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગઇકાલે કોરોનાથી 17 દર્દીના મૃત્યું થયાની સત્તાવાર જાહેરાત આરોગ્ય તંત્ર દ્વારા કરાઇ હતી. આ સાથે કોરોનાનો સત્તાવાર મૃત્યુંઆંક વધીને 239 એ પહોંચ્યો છે.
જામનગર શહેરમાં ગઇકાલે ઘટાડીને 2303 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 397 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોટ આવ્યો હતો. આ સામે 301 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા હતા. શહેરના નવ દર્દીઓના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે માત્ર 1533 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 332 દર્દી ગઇકાલે પોઝીટીવ નોંધાયા હતાં. આ સામે ગ્રામ્યમાં ગઇકાલે 277 દર્દી સ્વસ્થ થયા હતાં. ગ્રામ્યના આઠ દર્દી ગઇકાલે કોરોનાને લીધે મૃત્યું પામ્યાનું અરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.
જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે કુલ 3,836 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 729 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતાં. આ સામે ગઇકાલે પણ 578 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલે કુલ 17 દર્દીના કોરોનાથી મૃત્યું નિપજ્યા હતાં.
જામનગર શહેરમાં ગઇકાલ સુધીમાં કુલ 3,44,835 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્યમાં થયેલ કોરોના ટેસ્ટનો કુલ આંક 2,57,264 થયો હતો. આમ શહેર-જિલ્લાના મળીને કુલ 6,02,099 કોરોના ટેસ્ટ થયા હતાં. આ પૈકી ચોવીસ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં. જામનગર શહેરના 135 અને ગ્રામ્યના 104 દર્દીના કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યું થયાનું સત્તાવાર જણાવાયું છે.
છેલ્લા આઠ દિવસથી જામનગર વિસ્તારમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં દૈનિક કેસની દ્રષ્ટિએ જામનગર ટોપ ઉપર આવ્યું છે અને રાજ્યમાં ચોથો ક્રમ જાળવી રાખ્યો છે.
Comments
Post a Comment