જામનગર શહેરમાં 1713 લોકોના ટેસ્ટમાંથી 184 અને ગ્રામ્ય વિસ્તારમાં 731 લોકોના ટેસ્ટમાંથી 112 વ્યક્તિ કોરોના સંક્રમિત નોંધાઇ: ત્રણ દિવસમાં 900 થી વધુ કેસ નોંધાતા સ્થિતિ વણસી રહી હોવાનું ચિત્ર: ગઇકાલે શહેરના 74 અને ગ્રામ્યના 63 દર્દી ડિસ્ચાર્જ થયા
જામનગર તા.13
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળવાનું સતત ચાલુ રાખ્યું હોય તેમ કોરોનાના કેસની સંખ્યા ગઇકાલે પણ ત્રેવડી સદી નજીક નોંધાઇ હતી. ગઇકાલે પણ કોરોનાના 296 કેસ નોંધાયા હતાં. જ્યારે 137 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
જામનગરમાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટી-20 મેચની માફક પ્રસરી રહ્યો છે. જામનગર શહેરની વાત કરીએ તો ગઇકાલે 1713 લોકોનળો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાએ પણ તેનો કલર બતાવ્યો હતો અને ગઇકાલે પોઝીટીવ કેસનો આંક બેવડી સદી નજીક 184 થયો હતો. આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ જાહેર થવાની બીજી તરફ ગઇકાલે જામનગર શહેરના માત્ર 74 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલ સુધીમાં જામનગર શહેરમાં 2,72,487 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.
જામનગર ગ્રામ્યમાં ગઇકાલે સર્જાયેલી સ્થિતિને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેર સામે ભયની લાગણી ઉભી થઇ છે. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 731 લોકોનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં આ પૈકી 112 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સામે ગ્રામ્ય વિસ્તારના 63 દર્દીઓ ગઇકાલે સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ મેળવી શક્યા હતાં.
આમ ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 2444 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી ગઇકાલે કુલ 296 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત 137 દર્દી ગઇકાલે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા હતાં.
જામનગર શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,89,380 ટેસ્ટ થયા છે. જેમાં જામનગર શહેરમાં 2,72,487 અને જામનગર ગ્રામ્યમાં 2,16,893 ટેસ્ટનો સમાવેશ થાય છે. ગઇકાલ સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 13300 થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યાં છે અને 1375 થી વધુ લોકોના કોવિડ હોસ્પિટલમાં મૃત્યું થઇ ચુક્યાં છે.
Comments
Post a Comment