જામનગર તા.14:
કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા કફર્યુની અમલવારી જામનગરમાં કડક રીતે કરવામાં આવી રહી છે તેના કારણે રેસ્ટોરન્ટ અને હોટલોના ધંધાદારીઓ આર્થિક મંદીની મુશ્કેલીમાં મુકાયા છે. તેની સાથે જ આવા રેસ્ટોરન્ટ હોટલમાં કામ કરનાર હોટલ સ્ટાફને છુટો કરી દેવાતા ભારે હાર્ડમારીમાં મુકાયા છે.
એક તરફ છેલ્લા એક વર્ષથી લોકડાઉનની સાથે લાંબા સમય સુધી હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા ત્યારબાદ રેસ્ટોરન્ટ અને હોટલો કાર્યરત થતા હતા તેવા સમયે ફરી પાછી કોરોનાની બીજી લહેર શરૂ થતા દર્દીઓનો આંક ઉંચકાયો છે તેવા સમયે ફરી પાછી કોરોનાને કાબુમાં લેવા રાત્રી કફર્યુની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. આ કફર્યુના કારણે રાત્રીના રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓને રાતના જ ધંધો-વ્યવસાય બંધ કરવાની ફરજ પડી છે. જેને લીધે સંચાલકોને તો આર્થિક નુકશાની શરૂ થતા તેઓએ તેમને હોટલ સ્ટાફને ન છુટકે છુટા કરવા પડે તેવી સ્થિતિ આવી પડી છે. જેના લીધે આવા હોટલ સ્ટાફને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે કારણ કે, રાતના આઠથી કફર્યુની અમલવારી થતી હોય જેથી રાત્રીના સમયના રેસ્ટોરન્ટ અને હોટલના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે હોટલના સ્ટાફની પણ માત્ર સવારના જ જરૂર રહેતી હોય જેથી સ્ટાફને છુટો કરી દેવો પડયો છે. આવા હોટલ સાથે સંકળાયેલા અને રોજગારી મેળવનાર હોટલ સ્ટાફ હવે નવી રોજગારી શોધવાની સમસ્યામાં મુકાયો છે. જેને લીધે નવી રોજગારી મળતી નથી અને આર્થિક રીતે આવક બંધ થઇ ગઇ હોય જેને લીધે ઘરનું ઘરનિર્વાહ કેમ ચલાવુ તે એક પડકાર બન્યો છે. સરકાર દ્વારા આવા હોટલ સ્ટાફને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ હોટલ સ્ટાફ કરી રહ્યો છે.


Comments
Post a Comment