પરંપરાગત શ્રીરામ સવારી પણ સતત બીજા વર્ષે આજે નહીં નિકળે
જામનગર તા.21
જામનગરમાં આજે મયાર્દા પુરૂષોતમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવની પ્રતિકાત્મક ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરોમાં આજે કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખી ખૂબ જ સિમિત લોકોની હાજરીમાં આરતી કરવામાં આવી હતી. દર વર્ષે નિકળતી શ્રીરામ સવારી (શોભાયાત્રા) પણ આજે યોજાનાર નથી.
આજે ચૈત્રી નવરાત્રીનું આખરી અને નવમું નોરતું છે. આજે મયાર્દા પુરૂષોતમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે. અયોધ્યા નરેશનો જન્મદિન પણ આજે રામભક્તોએ પોતાના ઘરમાં રહીને જ મનાવવાની ફરજ પડી છે.
કોરોના મહામારીને લીધે શહેરના મોટાભાગના જાણીતા મંદિરો બંધ છે. ખાસ કરીને તળાવની પાળે આવેલ વિશ્ર્વ વિખ્યાત બાલાહનુમાન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ છે. સામાન્ય રીતે રામનવમી, હનુમાન જયંતિના દિવસે મહાઆરતી યોજાતી હોય છે અને બહોળી સંખ્યામાં ભાવિકો તેમાં ઉપસ્થિત રહેતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે સાર્વજનિક ઉજવણી ઉપર પ્રતિબંધ છે અને ટોળામાં ઉજવણી કરવી પણ યોગ્ય નથી.
આજે ભવાન શ્રીરામચંદ્રજીનો જન્મોત્સવ છે પરંતુ ભાવિકો માટે મંદિરના દ્વાર બંધ હોવાથી નિયમિત દર્શને જતા લોકોએ મંદિરના પગથિયા પાસે ઉભીને મનની આંખોથી દર્શન કરી ધ્વજાને પ્રમાણ કરી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.
આજે બપોરે 12 વાગ્યે શ્રીરામ જન્મોત્સવ નિમિત્તેની પરંપરાગત આરતી સંસ્થાના પૂજારી, ટ્રસ્ટીની મર્યાદિત હાજરીમાં કરવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે આ વખતે મંદિરોને સુશોભન પણ કરાયું નથી. બાલાહનુમાન, રામમંદિર, મહાજનવાડી રામમંદિર વિગેરે સ્થળોએ પ્રતિકાત્મક ઉજવણીરૂપે આરતી કરાઇ હતી.
આ ઉપરાંત હિન્દુ ઉત્સવ સમિત્તિ અને મહાદેવહર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે યોજાતી ભવ્ય શ્રીરામ સવારી (શોભાયાત્રા)નું આયોજન પણ રદ્દ કરાયેલ છે. ગત્ વર્ષે પણ કોરોનાને કારણે શોભાયાત્રા નિકળી શકી ન હતી. સંસ્થાના સુત્રધાર મહંત શ્રીચત્રભૂજદાસજી અને રાજેશ વ્યાસ (મહાદેવ)એ રામભક્તોને ઘરમાં રહીને જ પૂજા-પાઠ-આરતી કરી કોરોનાની મહામારીથી સૌ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો.
Comments
Post a Comment