લગલગાટ 8 દિવસથી આરામ કર્યા વગર દર્દીઓની અવિરત સેવામાં ડોકટરો: કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા કલેકટરની અપીલ
જામનગર તા.15:
જામનગર પંથકમાં કોરોનારૂપી કાળના વાદળોમાંથી વરસતો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. નીત નવા-નવા દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રોજે-રોજ 300થી આસપાસ આવતા પોઝીટીવ દર્દીઓથી જામનગર પંથકમાં હાહાકાર મચી ગયો છે. દર્દીઓને લઇ દિન-રાત જી.જી.કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ હોવાનું ખુદ કલેકટરે ગઇકાલે જાહેર કર્યુ છે. વધુમાં જી.જી.કોવિડ હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 દિવસથી આરામ લીધો ન હોય આથી કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરી કોરોનાને હરાવવા શહેરીજનોને કલેકટરે અપીલ કરી છે.
હાલની સ્થિતિએ જામનગર જાણે કોરોનાના જીવતા બોમ્બ ઉપર બેઠું હોઇ તેમ રોજે રોજ 300ની આસપાસ પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે. આજુબાજુના જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. દરરોજ આવતા નવા દર્દીઓથી જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ હોવાનું કલેકટરે જણાવ્યું છે. હાલ જી.જી.હોસ્પિટલમાં આઇસીયુ, નોન આઇસીયું સહિત 1573 બેડની વ્યવસ્થા છે તે તમામ બેડ ફૂલ છે. જે પૈકી નોન આઇસીયુમાં ટોટલ 1338ની વ્યવસ્થા છે ઉપરાંત વેન્ટીલેટરની સુવિધા સાથેના 235 બેડની સુવિધા છે. ઓકિસઝન ઉપર 643 દર્દી છે. વધુમાં તમામ બેડ ફૂલ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આ તમામ બેડ ફૂલ હોવાનું જાહેર થવા પામ્યું છે. આગામી પાંચ દિવસ સુધી દર્દીઓ માટે નવા બેડની વ્યવસ્થા થવાની શકયતા ન હોવાનું કલેકટરે ઉમેર્યુ હતું. દર્દીઓ માટેના ખાટલા ખૂટી પડતા તંત્ર મુંઝવણમાં મુકાયું છે. નવા બેડ અંગે સતત પ્રયત્નશીલ તંત્રનો વ્યવસ્થા ઉભી કરવામાં પાનો ટૂંકો પડતો હોવાનું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી, ઉપલેટા, પોરબંદર, દ્વારકા સહિતના સ્થળેથી જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓથી હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડયા છે અને હોસ્પિટલના પટાંગણમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગ્યા હોઇ તેવા દ્રશ્યો સર્જાયા છે.
બીજી તરફ જામનગરમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો હોવા છતા અમુક અણસમજુ લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા છે. જેથી કોરોનાને મોકળું મેદાન મળી રહ્યું હોઇ આથી શહેરીજનોએ ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરીને કોરોનાને ધુળ ચાટતો કરવા તંત્રને સહયોગ આપવા-કલેકટરે શહેરીજનોને અપીલ કરી છે.
વધુમાં કોરોનામાં જીવનના જોખમ વચ્ચે પણ હોસ્પિટલમાં ડોકટર, નર્સ સહિતનો સ્ટાફ દિન-રાત જોયા વગર દર્દીઓના જીવ બચાવવામાં લાગ્યો છે. કલેકટરે ઉમેર્યુ કે કોવિડ હોસ્પિટલના ડોકટરો લગભગ 8 થી 9 દિવસથી યશસ્વી સેવા બજાવી રહ્યા છે. જેથી સહકાર આપવા અપીલ કરાઇ છે.
Comments
Post a Comment