જામનગર તા.19:
જામનગર પંથકમાં કોરોનાએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી વિક્રમજનક સપાટીએ પહોંચી વિનાશકરૂપ ધારણ કર્યુ છે. આવી સ્થિતિમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઠસોઠસ ભરાતા બેડની સુવિધા ખૂટી પડી છે. હોસ્પિટલમાં 3 થી 5 કલાક સુધીનું લાંબુ વેઇટીંગ હોવાથી ગઇકાલે જી.જી.ના પટાંગણમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી. કોરોનાની ગંભીર સ્થિતિમાં કણસતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ઉપાધી આવી પડી હતી.
જામનગર પંથકમાં કોરોનાની અધોગતિ અને ઉચાટ ચરમસીમાએ પહોંચ્યો છે. મોતના ખૌફ વચ્ચે લોકો જીવી રહ્યા છે. તેવામાં શનિવાર અને રવિવારની રાતે જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો પ્રસરી વળ્યો હોઇ તેમ 48 કલાકમાં 130થી પણ વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર મચી ગયો હતો. દિવસ-રાત હડિયાપટ્ટી કરતી એમ્બ્યુલન્સોથી જી.જી.સહિતની હોસ્પિટલોમાં ખાટલા, ઓક્સિઝન, ઇન્જેકશનની વ્યવસ્થા ખુટી પડી છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટલેટરવાળા બેડ ખાની ન હોવાથી કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને મુશ્કેલીનો કોઇ પાર નથી હોસ્પિલમાં બેડના અભાવે 3 થી 5 કલાક જેટલું લાંબું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. વધુમાં અમુક એમ્બ્યુલન્સો મૃતદેહોની હેરફેરમાં જયાએ અમુક એમ્બ્યુલન્સો દર્દીઓની હેરફેરમાં રોકાઇ હોવાથી એમ્બ્યુલન્સ મેળવવામાં પણ 2 થી 3 કલાકનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં વેઇટીંગ સહિતની વિકટ પરિસ્થિતિને પગલે ગઇકાલે જી.જી.માં એમ્બ્યુલન્સની રીતસરની કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા લાચાર દર્દીઓ માથે આફતના વાદળો ઘેરાયા હતા. આથી હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે મુશ્કેલીની ગંભીરતાને ધ્યાને લઇ એમ્બ્યુલનસમાં જ તાબડતોબ સારવાર શરૂ કરી દર્દીઓને મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારવા પ્રયાસો હાથ ધર્યા હતા. આવે તેવી કપરી સ્થિતિ: કણસતા દર્દીઓ, લાચાર પરિવારજનો
Comments
Post a Comment