જામનગર તા.14:
જામનગરમાં બહારગામથી આવતા કોરોના દર્દીના પરિજનો માટે વાડીઓમાં રહેઠાણ-ભોજનની વ્યવસ્થા માટે મનપાએ બોલાવેલી બેઠકમાં જુદા-જુદા સમાજના પ્રતિનિધિઓએ સુવિધા આપવા ખાતરી આપી છે. કોરોના સંક્રમણને રોકવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં રાજકોટ, મોરબી, પોરબંદર, દ્વારકા સહિતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં બહારના દર્દીના પરિજનોને યોગ્ય સુવિધા મળે અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી શહેરમાં આવેલી જુદા-જુદા સમાજની વાડીઓ અને છાત્રાલયમાં રહેવાની અને જમવાની વ્યવસ્થાને અનુલક્ષીને મંગળવારે કમિશ્નર સતિષ પટેલના અધ્યક્ષ સ્થાને જુદા-જુદા સમાજના પ્રતિનિધિઓની મીટીંગ મળી હતી. જેમાં 30 માંથી 17 સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બેઠકમાં સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું કે, જો સમાજ દ્વારા પોતાની વાડીમાં બહારથી આવતા દર્દીઓના પરિવાર માટે રહેવાની અને સારવારની વ્યવસ્થા કરવામાં આવે તો પોતાના સમાજનું કેમ્પસ હોવાથી માનસિક સધિયારો મળી રહેશે. મીટીંગમાં ઉપસ્થિત લોહાણા, પટેલ, આહિર, રાજપૂત, ઓશવાળ, સતવારા, બ્રહ્મ, ભાનુશાળી, જૈન, મારૂં કંસારા સમાજની વાડીઓના પ્રતિનિધિઓએ બહારથી આવતા કોવિડના દર્દીઓના સગા-સંબંધી માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવા તૈયારી દર્શાવી હતી.
Comments
Post a Comment