જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ ઉભરાયા: ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે બેડ ખૂટી પડયા
જામનગર તા.10:
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. જામનગર ઉપરાંત મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાંથી પણ કોરોનાના દર્દીઓ સારવાર માટે જામનગર આવતા હોય જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોના પણ દરવાજા બંધ કરી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગરની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે.
મોરબી અને રાજકોટ જિલ્લામા હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા બાદ હવે દર્દીઓનો પ્રવાહ સારવાર માટે થઇને જામનગર તરફ વળ્યો છે. જેને લીધે મોરબી અને રાજકોટ જિલ્લાના અનેક કોરોનાના દર્દીઓ જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવવા દાખલ થયા છે. જેને લીધે જી.જી.હોસ્પિટલમાં સારવાર માટેના બેડ પણ ઘટી પડતા હવે આયુર્વેદીક હોસ્પિટલમાં સારવાર માટે થઇને દર્દીઓને ખસેડવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં બેડની ઘટને લઇને હવે લોકો સારવાર માટે થઇને જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટર તરફ દર્દીઓનો પ્રવાહ વધ્યો છે.
આમ જામનગરની સરકારી હોસ્પિટલ બાદ હવે જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોના બેડ પણ સારવારના ભરાઇ ચુકયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની સાથે સાથે વેન્ટીલેટરની સુવિધા પણ જરૂરી બની છે. સાથે સાથે કોરોનાના દર્દીની સારવાર માટે નિષ્ણાંત તબીબ અને નર્સીગ સ્ટાફની પણ જરૂરીયાત રહે છે. આવા સમયે જામનગરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લા સહિતના કોરોનાના દર્દીઓ સારવાર અર્થે દાખલ થઇ રહ્યા છે. જેને લઇને હવે ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ ન હોવાનો હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આમ કોરોનાનો કહેરના લીધે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે અત્યારથી જ કોવિડ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટેના વેન્ટીલેટરોથી સજજ તેમજ ઓકિસજથી સારવાર આપવા માટે થઇને જે ખાનગી હોસ્પિટલો છે તેમા તો હાલ વેઇટીંગ લીસ્ટ ચાલી રહ્યું છે. હાલમાં માત્ર કોવિડ કેર સેન્ટરો પણ હવે દર્દીઓની સારવાર માટે બંધ કરવા પડે તે રીતે દર્દીઓનો પ્રવાહ વધ્યો છે.
જામનગરની સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલ, ક્રિટીકલ કોવિડ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં હવે દર્દીઓની લાઇન દાખલ થવા માટે થઇને શરૂ થઇ ગઇ છે. ત્યારે દર્દીઓએ જામનગર આવતા પહેલા હોસ્પિટલોની સાથે સંપર્ક કરીને જ આવવું જરૂરી બન્યું છે.
Comments
Post a Comment