જામનગર તા.3:
જામનગર મહાનગરપાલિકા દ્વારા 198 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ફાઇ ઓવર બ્રિજ બનાવવા અંગેનું આયોજન ઘડી કઢાયું છે. જે અંગે તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા લાઇનદોરીની દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ તંત્ર દ્વારા લાઇનદોરીમાં નડતરરૂપ વૃક્ષછેદનથી આ પ્રોજેકટની અમલવારીના શ્રીગણેશ કરાયા છે.
ટ્રાફિકથી ભરચકક ઇન્દિરા માર્ગ ઉપરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર દ્વારા ફલાઇ ઓવર બ્રિજ નિમાર્ણ અંગે આયોજન હાથ ધરાયું છે. શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝ બ્રીજથી સાત રસ્તા સુધીના સાડા ત્રણ કિ.મી. લંબાઇના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાઇ ઓવરબ્રિજની લાઇન દોરી અંગેની દરખાસ્તને તાજેતરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. મંજૂરી બાદ ફલાઇ ઓવર પ્રોજેકટની પ્રથમ ચરણની કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા નડતરરૂપ લીલાછમ અને ઘટાટોપ વૃક્ષ છેદનથી પ્રોજેકટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય રોડના એક પડખામાંથી નડતરરૂપ વૃક્ષના કટીંગ બાદ સામેની સાઇડમાં વૃક્ષોનું કટીંગ હાથ ધરાશે.
બળબળતા ઉનાળામાં તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાનું કામ હાથ ધરાતા અસંખ્ય પક્ષીઓ આસરા વિહોણા થશે ! આથી પર્યાવરણપ્રેમીઓમાં રજ તો છે જ પરંતુ ફલાઇઓવર બ્રિજની કામગીરી આ નડતરરૂપ વૃક્ષો હટાવ્યા વગર શકય જ નથી. નડતરરૂપ વૃક્ષો કાપવા તે જરૂરી હોય તો શહેરમાં પર્યાવરણનું સંતુલન જાળવવા સરકારના નિયમ મુજબ બે ગણા વૃક્ષો વાવવા તે પણ મહાનગરપાલિકાની ફરજમાં આવે છે. તો તંત્ર પોતાની આ ફરજમાં પાછીપાની ન કરી નિયમ મુજબ જેટલા વૃક્ષો કપાય તેની સામે બે ગણા વૃક્ષોનું વાવેતર અને જાળવણી કરે તે પણ આવશ્યક બાબત છે.
મહત્વનું છે કે, શહેરમાં સિમેન્ટ, ક્રોંક્રેટના જંગલોને પાપે ઉનાળાના પ્રારંભથી જ ગરમી ભૂક્કા બોલાવી રહી છે. તો વિકાસના નામે વધુ વૃક્ષોનો વિનાશ કરાશે તો આવનારા દિવસોમાં ગરમીની કલ્પના માત્રથી પણ બિહામણું ચિત્ર ઉભું થાય છે. આથી તંત્ર વૃક્ષારોપણમાં નૈતિકતા દાખવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.


Comments
Post a Comment