કોરોના કાળના 375 દિવસના સમયગાળા દરમ્યાન 24 કલાકમાં થયેલા કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુંની સૌથી વધુ સંખ્યા નોંધાઇ: છેલ્લા 15 દિવસમાં 450થી વધુ દર્દીઓના મૃત્યું: મોતનું તાંડવ ગંભીર માત્રામાં ચાલુ રહેતા હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન: દર 15થી 20 મીનીટે એક દર્દીએ દમ તોડયો
જામનગર તા.15:
જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે બપોરે 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન 80 દર્દીના મૃત્યું થયાનું જાણવા મળે છે. ત્રણ દિવસ બાદ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ગઇકાલે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરી દર્દીના મોતની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો.
ગઇકાલના બપોરે 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલા વધુ 35 દર્દીના મૃતદેહ આદર્શ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ માટે પહોંચી ચુકયા છે. જયારે 30 વધુ દર્દીના મૃતદેહોને તેમના પરિજનોની ઇચ્છાથી મોરબી-રાજકોટ જિલ્લામાં તેમના ગામ રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય 15 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર અન્ય બે સ્મશાનગૃહોમાં કરાવવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
જે મૃતકોની અંતિમવિધિ આદર્શ સ્મશાનગૃહ ખાતે થઇ ચુકી છે. તેમાં પ્રેમજીભાઇ મહાદેવભાઇ પટેલ (મોરબી), કરસ્તુરબેન સોનગરા (મચ્છુ બેરાજા), લાલજીભાઇ છત્રોડા (મોરબી), સવિતાબેન નાથાભાઇ પ્રાગડા (ઠેબા), બાબુભાઇ ગોકળભાઇ રૂપાપરા (રાજકોટ), સંતોષબેન વાઘેલા (જામનગર), દેયારામ નારણભાઇ દામા (જામનગર), નરેન્દ્ર હિમ્મતલાલ દવે (જામનગર), સરમિષ્ટાબેન ન્યાલચંદભાઇ વઢવાણા (રાજકોટ), પ્રવિણભાઇ હિરપરા (જામનગર), અશ્ર્વિનભાઇ છાપીયા (જામનગર), પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઇ મકીમ (જામનગર), હંસાબેન છગનભાઇ વાઘાણી (રાજકોટ), જમનભાઇ પરષોત્તમભાઇ રાઠોડ (ભાણવડ), ઉકાભાઇ જીવાભાઇ ડાભી (મોરબી), ભગવાનજી કરમશી પટેલ (જામનગર), નૈમિષ હર્ષદ મહેતા (જામનગર), જસવંતીબેન કાંતીલાલ થાનકી (જામનગર), શામજીભાઇ ડાયાભાઇ પરમાર (જામ દુધઇ), રમેશ ગૌરધન મણવર (જામજોધપુર), વિમલકુમાર પ્રવિણચંદ્ર દવે (મોરબી), ઈન્દિરાબેન ભુપેન્દ્રભાઇ વાળા (જામનગર), થોભણભાઇ ગંગારામ પટેલ (મોરબી) અને જેમલભાઇ વજાભાઇ હુણ (મકનસર)નો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓના અંતિમ સંસ્કાર થઇ ચુકયા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા સિવાયના મોરબી અને રાજકોટ તથા અન્ય જિલ્લાના વધુ 30 જેટલા દર્દીઓની ડેડ બોડી તેમના પરિવારજનોના ઇચ્છાથી તેમના ગામ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ આજે બપોર સુધીના છેલ્લા 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 80 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોતનો સીલસીલો સતત ચાલુ છે. ગઇકાલે બપોર પહેલાના 24 કલાકમાં 45 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન 450થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. જેમાં એક અંદાજ મુજબ 35 થી 40 ટકા જેટલા દર્દીઓ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment