જામનગર તા.14:
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારનો માળો કાળમુખા કોરોનાએ પિંખી નાંખ્તા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયું છે. જુવાનજોધ બે પુત્રો માત્ર 24 કલાકના ગાળામાં જ એક મુસ્લિમ સમાજ સેવકે ગુમાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
એમ કહેવાય છે કે કોઇ પણ સદગૃહસ્થ માટે તેમના સંતાન બુઢાપાની લાકડી હોય છે અને તેથી જ વૃધ્ધાવસ્થામાં આ લાકડી તુટવાનું દર્દ સહન કરવું ઘણુ કપરૂ બની જાય છે. વિધિની વક્રતા સમો આવો જ એક કિસ્સો જામનગરના વોર્ડ નં.1માં આવતા બેડી વિસ્તારમાં બન્યો છે.
પાશાણ હૃદયના માનવીનું પણ કાળજુ કંપાવી દે તેવી આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર બેડી વિસ્તારમાં રહેતા ઇશાકભાઇ કેર તેમના વિસ્તારમાં સામાજિક સેવા માટે જાણિતા છે. કોઇ પણ નાના માણસને ત્યાં સુખ-દુ:ખના બનાવ વખતે તેઓ સેવા આપવા દોડી જાય છે. આમ છતા વિધાતાએ તેમના ભાગ્યમાં પાછલી જીંદગીમાં દુ:ખનું પોટલુ માથે નાંખ્યું છે.
તેમના પુત્ર ખાલીદની ગત શનિવારે તબિયત બગાડતા અને કોરોનાના લક્ષ્ણ જણાતા સારવાર માટે જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ કાળ તેમના ઉપર ત્રાટકયો હતો અને ખાલીદભાઇ (ઉ.વ.35) જન્નતનશીન થયા હતા. રવિવારે તેમની દફનવિધિ ધાર્મિક રીત-રિવાજ મુજબ કરાઇ હતી.
ખાલીદભાઇ ફાની દુનિયાને અલવિદા કરીને જતા રહેતા પરિવારજનો અને સગા-સ્નેહીઓની આંખોમાંથી આશ્રુધારા વહી હતી.
આ ઉપરાંત ઇશાકભાઇના બીજા પુત્ર હુશૈન (ઉ.વ.32)ની તબિયત બગડતા તેઓને પણ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તેમને ન્યુમોનિયા થયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. સોમવારે સવારે 11:30 આસપાસ હુશૈનભાઇએ તેમના પિતા મોબાઇલથી વાત કરી હતી અને તબિયતમાં સુધારો હોવાનું જણાવતા ઇશાકભાઇ અને અન્ય પરિવારજનોને હુશૈનભાઇ હેમખેમ ઘરે પરત ફરશે તેવી આશા બંધાઇ હતી. પરંતુ કુદરતે આ પરિવારના ભાગ્યમાં હજુ વધુ દુ:ખ જોવાનું લખ્યું હોય તેમ વાચચીતની માત્ર પોણી કલાક બાદ જ હોસ્પિટલથી ફોન આવ્યો કે હુશૈનભાઇ પણ અવસાન પામ્યા છે. આમ 24 કલાકના નજીવા ગાળામાં પરિવારે બે જુવાનજોધ પુત્રો ગુમાવ્યા હતા અને તેથી પરિજનોને 24 કલાક બાદ બીજી વખત વ્હાલસોપાના જનાજાને કાંધ આપવા મજબુર થવું પડયું હતું.
સ્થાનિકોના કહેવા મુજબ ઇશાકભાઇ કેર સામાજિક સેવાથી લોકોમાં લોકપ્રિય હોવાથી તેમના બે યુવાન પુત્રોના અવસાનના સમાચારથી લોકોમાં માતમ છવાયું છે.

Comments
Post a Comment