જી.જી.કોવિડ હોસ્પિટોલની બહાર બેડ મળે તે પહેલાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં આજે સવાર સુધીમાં 10 દર્દીઓએ મોતની સોડ તાણી લેતા સર્જાયા હૃદયદ્રાવક દ્રષ્યો: 108 અને હોસ્પિટલનો સ્ટાફ શક્ય તેટલી મહેનત કરવા છતાં દરેક ગંભીર દર્દીના પ્રાણ બચાવવા અસમર્થ: હાઇકોર્ટની ફટકાર છતાં અકળ કારણસર સરકાર લોકડાઉનથી ભાગી રહી હોવાથી સ્થિતિ કાબુ બહાર: 24 કલાકમાં 509 કેસ નોંધાયા: જામનગર શહેરમાં 3,664 લોકોનો ટેસ્ટ કરાતા 307 અને ગ્રામ્યમાં 2158 લોકોનો કોરોના ટેસ્ટ કરાતા 202 લોકો પોઝીટીવ હોવાનું જાહેર થયું: શહેરના 131 અને ગ્રામ્યના 130 દર્દી સ્વસ્થ થયા: જામનગર ગ્રામ્યમાં બે દર્દીના મૃત્યું કોરોનાના કારણે થયા હોવાનું જાહેર કરાયું
જામનગર તા.22:
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે કોરોનાના કેસ મામલે જાણે હુંસાતુસી ચાલતી હોય તેમ ગઇકાલે શહેરમાં સતત બીજા દિવસે 300થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા હતા તો ગ્રામ્યમાં પણ પોઝીટીવ કેસની સૌ પ્રથમ વખત બેવડી સદી નોંધાઇ હતી. આમ ગઇકાલે 509 પોઝીટીવ કેસ નોંધાવાની સામે 261 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ હોસ્પિટલ પરિસરમાં 127 દર્દીઓના મૃત્યું નિપજ્યાં હતાં. પરિણામે જામનગર હવે ‘જમનગર’ બની રહ્યું છે.
જામનગર શહેરમાં ગઇકાલે પણ કોરોનાના કેસની ત્રેવડી સદી નોંધાઇ હતી. જામનગર શહેરમાં ગઇકાલે 3664 દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાં થયેલા કોરોના ટેસ્ટનો કુલ આંક 2,98,046 થયો હતો. આ ટેસ્ટ દરમ્યાન ગઇકાલે શહેરમાં 307 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સામે શહેરના 131 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતા.
જામનગર ગ્રામ્યમાં ગઇકાલે 2158 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે ગ્રામ્યના કુલ ટેસ્ટની સંખ્યા 2,33,891એ પહોંચી હતી. આ પૈકી 202 લોકોનો રિર્પોટ કોરોના પોઝીટીવ જાહેર થયો હતો. ગઇકાલે આ રેકર્ડબ્રેક નવા કેસની સામે 130 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે 5,822 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 509 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતા અને તેની સામે કુલ 261 દર્દીઓ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતા.
જામનગર ગ્રામ્યમાં ગઇકાલે કોરોનાના કારણે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દી પૈકી બે દર્દીના કોરોનાના કારણે મૃત્યું થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જામનગર ગ્રામ્યમાં કોરોનાથી થયેલ દર્દીના મૃત્યુંની કુલ સંખ્યા વધીને 18 થઇ હતી. જયારે જામનગર શહેરના કોઇ દર્દીનું મૃત્યું કોરોનામાં ગણવામાં આવ્યું ન હતું.
જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 127 દર્દીઓના મૃત્યું નિપજ્યાં હતાં. વિધીની વક્રતા કહો કે, સરકારની વ્યવસ્થાની ખામી કહો... હોસ્પિટલમાં બેડ ખાલી થાય અને પ્રવેશ મળે તે પહેલાં જ કોરોનાના ગંભીર દર્દીઓ હવે મોતની વાટ પકડી રહ્યાં છે. છેલ્લા 36 કલાકમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં 10 દર્દીઓના હોસ્પિલમાં પ્રવેશ મળે તે પહેલાં જ વેઇટીંગમાં મૃત્યું નિપજ્યાં છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મૃત્યું પામેલ દર્દીઓમાં જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજકોટ, કોડીનાર, વાંકાનેર, મોરબી, દ્વારકા, જામજોધપુર, સુરેન્દ્રનગર, ધ્રોલ, કાલાવડ વિસ્તારના દર્દીઓના મૃત્યું નિપજ્યાં છે. રિલાયન્સ ટાઉનશીપમાં રહેતાં એક વ્યક્તિનું પણ મૃત્યું નિપજ્યું હતું.
Comments
Post a Comment