જામનગર શહેરમાં 15 દિવસમાં 1786 અને ગ્રામ્યમાં 1264 લોકો થયા કોરોના સંક્રમિત: નવા કેસની સામે શહેરમાં 814 અને ગ્રામ્યમાં 797 લોકો સ્વસ્થ થયા: માર્ચ માસના કેસનો આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ પાર થઇ ગયો: જે ગતિએ સંક્રમણ વધી રહ્યું છે તે જોતા એપ્રિલ માસ અત્યાર સુધીનો સૌથી વધુ ઘાતક સાબિત થવાની વકી: કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં પોઝીટીવી રેટ નીચો અને ડેથ રેશીયો ઉંચો નોંધાયો
જામનગર તા.16:
જામનગર શહેર અને ગ્રામ્યમાં કુદકે ને ભુસકે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. માર્ચ માસમાં 785 કેસ સામે આઠ દિવસમાં જ કોરોનાના કેસની સંખ્યા વધી જતા લોકો અને તંત્રવાહકોમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે. એપ્રિલ માસના પ્રથમ 15 દિવસમાં કુલ 3,050 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે 1611 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જામનગરમાં કોરોનાની બીજી લહેર તેની પ્રથમ લહેર કરતા ચાર ચાસણી ચડીયાતી સાબિત થઇ રહી છે. દરરોજ આગલા રેકર્ડ તોડી સંખ્યામાં કોરોનના કેસ નોંધાઇ રહ્યા છે. જામનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની કાગારોળ વધવા લાગી છે જે વિશેષ ચિંતાનો વિષય છે. સમગ્ર માર્ચ મહિના દરમ્યમાન જામનગર શહેર અને જિલ્લામાં મળીને માત્ર 785 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ આંકડો એપ્રિલ માહિનાના પ્રથમ આઠ જ દિવસમાં પાર થઇ ગયો હતો. જે ગતિએ કોરોના જામનગર શહેર અને જિલ્લામાં ફેલાઇ રહ્યો છે તે જોતા એપ્રિલ માસમાં પાંચ હજાર કેસ નોંધાઇ તો નવાઇ નહી રહે કેમ કે 15 તારીખ સુધીમાં જ 3050 કેસ નોંધાઇ ચુકયા છે.
તા.1 એપ્રિલના રોજ જામનગર શહેરમાં 34 અને ગ્રામ્યમાં 26, તા.2 એપ્રિલના રોજ શહેરમાં 33 અને ગ્રામ્યમાં 27, તા.3 એપ્રિલના રોજ શહેરમાં 38 અને ગ્રામ્યમાં 29, તા.4 એપ્રિલના રોજ શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43, તા.5 એપ્રિલના રોજ શહેરમાં 70 અને ગ્રામ્યમાં 54, તા.6 એપ્રિલના રોજ શહેરમાં 86 અને ગ્રામ્યમાં 65, તા.7 એપ્રિલના રોજ શહેરમાં 109 અને ગ્રામ્યમાં 93, તથા તા.8ના રોજ જામનગર શહેરમાં 128 અને ગ્રામ્યમાં 117 પોઝીટીવ કેસ નોંધાયા છે.
તા.9ના રોજ જામનગર શહેરમાં 123 અને ગ્રામ્યમાં 98, તા.10ના રોજ શહેરમાં 174 અને ગ્રામ્યમાં 122, તા.11ના રોજ શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123, તા.12ના રોજ શહેરમાં 184 અને ગ્રામ્યમાં 112, તા.13ના રોજ શહેરમાં 187 અને ગ્રામ્યમાં 115, તા.14ના રોજ શહેરમાં 189 અને ગ્રામ્યમાં 119 તેમજ તા.15ના રોજ જામનગર શહેરમાં 188 અને ગ્રામ્યમાં 121 પોઝીટીવ કેસ નોંધાયા હતા.
જામનગર ગ્રામ્યની વાત કરીએ તો જિલ્લાના ગામડાઓ માટે એપ્રિલ માસ કોરોનાના સંક્રમણની દ્રષ્ટીએ સૌથી વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. 5મી એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાળના કેસની સંખ્યાનો રેકર્ડ તુટવાનું સતત ચાલુ છે. તા.8ના રોજ સૌ પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસની સેન્ચુરી નોંધાઇ હતી.
જામનગર શહેરની વાત કરીએ તો તા.8 એપ્રિલના રોજ જામનગર શહેરમાં પણ કોરોનાના રેકર્ડબ્રેક કેસવાળો સાબિત થયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં એક દિવસ જામનગર શહેરમાં 120 કેસ નોંધાયા હતા. પરંતુ તા.8ના રોજ જામનગરમાં કોરોનાના 128 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ પછી પણ રોજ આંકડો વધતો જ ગયો છે.
જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાના સતત વધી રહેલા કેસને પગલે સામાન્ય લોકો માટે આશાનું સૌથી મોટુ કિરણ ગણાતી ગુરૂ ગોવિંદસિંગ કોવિડ હોસ્પિટલમાં પણ બેડ ફટોફટ ભરાવવા લાગ્યા હતા. પાંચ દિવસ પહેલા જ1200 બેડની કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ હતી. તંત્રએ બેડની સંખ્યા વધારી છે અને કોવિડ કેર સેન્ટર સહિત સરકારી હોસ્પિટલમાં 2600 બેડની કેપેસીટી થઇ છે. તેમ છતા 2200થી વધુ દર્દીઓ ગઇકાલની સ્થિતિએ સારવાર હેઠળ હતા. જોકે જામનગ શહેર અને ગ્રામ્ય ઉપરાંત દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાંથી પણ મુસાફરો જામનગર આવી રહ્યા છે.
એપ્રિલ માસની તા.1 થી 15 સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 3050 કેસ નોંધાયા હતા. સ્વસ્થ થયેલ દર્દીનો આંક માંડ 55 ટકા આસપાસ એટલે કે 1611 નોંધાયો હતો.
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે એટલુ જ નહી પરંતુ બીજી લહેરમાં પોઝીટીવીટી રેટ નીચો અને ડેથ રેટ ઉંચો જોવા મળ્યો છે. જે લોકો અને તંત્ર માટે ચિંતાનો મોટો વિષય છે.
Comments
Post a Comment