વધતા જતા કોરોનાના ગંભીર દર્દીઓને માટે ઓકિસઝન અને વેન્ટીલેટરની અછત સર્જાઇ: ફોટા દ્વારા પ્રસિદ્ધી મેળવનાર નેતાઓ સામે રોષની લાગણી
જામનગર તા.14:
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. 450 બેડની હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગયાનું જી.જી.કોવિડ હોસ્પિટલના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના દર્દીઓને લઇને વેન્ટીલેટરો અને ઓકિસઝન સુવિધા સાથેના બેડ ઘટી પડયા. વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને સારવાર માટે થઇને વધુ સુવિધા કોવિડ હોસ્પિટલની શરૂ કરવા કવાયત હાથ ધરાઇ.
જામનગરની કોવિડ હોસ્પિટલ 1200 બેડની ક્ષમતા ધરાવતી હતી. જેમાં તા.12ના રોજ 1302 દર્દીઓ દાખલ થયા હતા. નોન કોવિડ હોસ્પિટલમાં ઓકિસઝન સાથેના 965 બેડ સાથે વધારાના 102 બેડ મુકીને 1067 દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. જયારે વેન્ટીલેટરવાળા 235 બેડમાંથી એક પણ બેડ ખાલી નથી. 1200 બેડની ક્ષમતા સામે હોસ્પિટલમાં દર્દીઓ વધતા વધારાના 148 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં નોન આઇસીયુ ધરાવતા બેડમાં 1215 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જે પણ ભરાઇ ગયા છે.
જી.જી.કોવિડ હોસ્પિટલની આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 1450 બેડો હાઉસફૂલ થઇ ગયા છે. નોન કોવિડ આઇસીયુની અંદર 1215 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જયારે આઇસીયુ વોર્ડમાં 235 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતાનો વિષય ઉભો થયો છે અને વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના કોવિડ ઇર્ન્ચાજો સાથે મીટીંગનો દોર પણ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આવનારા સમયમાં કોરોનાના દર્દીઓને કઇ જગ્યાએ સારવાર ઉપલબ્ધ કરાવવી અને આઇસીયુ યુનીટ વધારવા તેમજ ઓકિસજનવાળા યુનિટો પણ વધારવા પડે તેવી સ્થિતિને ધ્યાને લેવામાં આવી છે. હવે નવા આવી રહેલા દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓને ઓકિસજન અને વેન્ટીલેટરના ર્સ્પોટની વિશેષ જરૂરીયાત ઉભી થઇ છે. જેને લઇને જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા રાજય સરકારમાં પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજય સરકાર દ્વારા જી.જી.કોવિડ હોસ્પિટલ જામનગરને માટે વધુ વેન્ટીલેટરો તેમજ અન્ય મેડીકલ સાધનો અને દવાઓનો જથ્થો ઝડપભેર ફાળવવામાં આવે તે દર્દીઓના હીતમાં છે.
જામનગર શહેરના બુધ્ધિજીવીઓમાં એવુ ચર્ચાઇ છે કે વેકસીન આપવાના કેમ્પોમાં ફોટા સાથે પ્રસિદ્ધ મેળવનારા રાજકીય આગેવાનો અને નેતાઓ જી.જી.કોવિડ હોસ્પિટલના કોવિડ દર્દીઓને માટે મેડીકલ સાધન સુવિધા ઉભી કરાવવામાં પાંગળા રહ્યા છે.
Comments
Post a Comment