જામનગર તા.30
જામનગરમાં કોરોનાની મહામારી અને તંત્ર દ્વારા ફરમાવાયેલા પ્રતિબંધને લીધે રંગપર્વ ધૂળેટીની ઉજવણી ફિક્કી બની ગઇ હતી અને શેરી-ગલ્લી પુરતી તેમજ ખાસ કરીને બાળકો પુરતી સિમિત બની ગઇ હતી.
કોરોનાના સંક્રમણની બીજી વેગીલી લહેરને લીધે લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દરરોજના સરકારી દવાખાના-હોસ્પિટલમાં જ 20 થી 25 કેસ નોંધાઇ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલો-લેબમાં થતાં પરિક્ષણની માહિતી બહાર આવતી નથી. આમ સ્થિતિ સાવ સામાન્ય ન હોય લોકોમાં આ વખતે ખાસ કરીને ધૂળેટી મનાવવા અંગે ઉત્સાહ ઓછો જણાતો હતો.
આ ઉપરાંત સરકારે હોળીની પરંપરાગત-ધાર્મિક ઉજવણીની છૂટ આપી હતી પરંતુ ધૂળેટી મનાવવા એટલે કે રંગોથી રમવા ઉપર મનાઇ ફરમાવી હતી. આથી પોલીસ સાથે બિનજરૂરી વિવાદ ટાળવા લોકોએ સ્વેચ્છાએ રંગોથી રમવાનું માંડી વાળ્યું હતું. પરિણામે ધૂળેટીની ઉજવણી ફિક્કી બની ગઇ હતી અને બાળકો પુરતી સિમિત રહી હતી.
3 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોએ તેમજ કેટલેક અંશે યુવાનોએ પોતાના શેરી-મહોલ્લામાં જ રહીને રંગોત્સવ મનાવ્યો હતો. પરિણામે શહેરના મુખ્ય માર્ગો ઉપર રમનારા-ઘેરૈયાઓની પાંખી હાજરી દેખાઇ હતી. અન્યથા દર વર્ષે એટલો રંગ માર્ગો ઉપર ઉડતો હોય છે કે તેને સાફ કરવામાં બે-ત્રણ દિવસ નિકળી જતા હોય છે.
જો કે બાળકો અને તરૂણોએ પણ અગાઉ જેવી મઝા આ ધૂળેટીમાં મળી ન હતી. કેમકે મિત્રો સાથે કોઇના ઘરે (બીજા વિસ્તારમાં) જઇને રંગવાની તક ળી ન હતી અને માત્ર પોતાની શેરી-ગલ્લીમાં જ રહીને રંગે રમવું પડ્યું હતું.
Comments
Post a Comment