જામનગર તા.30:
જામનગરમાં રવિવારે કોરોનાના કહેરની ચિંતા કર્યા વગર લોકોએ સાદાઇથી છતા હોશભેર હોલિકા દહનના કાર્યક્રમના આયોજનની પરંપરા જાળવી રાખી હતી.
જામનગરમાં પણ સરકારની સુમના પછી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે. સરકારે મર્યાદિત સંખ્યામાં અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે હોળી પર્વની ઉજવણીની છુટ આપી હતી. જયારે ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મુકયો હતો.
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખોટી ચિંતામાં આવ્યા વગર જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોએ હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી.
અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતિક સમાન હોળી પર્વનું ધાર્મિક મહત્વ ઘણું છે. હિરણ્ય કશ્યપના શાસનમાં કોઇ ભકતને ભગવાનની પુજા-ભકિત કરવાની મનાઇ હતી. પરંતુ બાળભકત પ્રહલાદ ભગવાનની ભકિત બંધ કરવા તૈયાર ન થતા આખરે હિરણ્ય કશ્યપે તેની બહેનને ફાગણ સુદ પૂનમની રાત્રે ભકત પ્રહલાદને મારી નાંખવાનું કામ આપ્યું હતું. હોલિકાને વરદાન હતું કે તે જે ચુંદડી ઓઢે છે તે ચુંદડી જયાં સુધી તેની માથે રહે ત્યાં સુધી તેને અગ્નિ બાળી ન શકે. આથી ગામના ચોકમાં છાણા-લાકડા ખડકી દેવામાં આવ્યા અને તેની ઉપર હોલિકા વરદાનવાળી ચુંદડી ઓઢીને ભકત પ્રહલાદને ખોળામાં લઇ બેસી ગઇ અને પછી આગ લગાડી દેવાઇ હતી. આમ આગમાં ભકત પ્રહલાદને જીવતો ભુંજી નાંખવાનું આ ષડયંત્ર હતું. પરંતુ ભગવાને પણ તેની લીલા ભકતનો પ્રાણ બચાવવા દેખાડી. તેમણે પવનદેવને આજ્ઞા કરી કે જે સ્થળે આ કૃત્ય થવાનું છે ત્યાં ભારે વંટોળિયો ફેલાવવામાં આવે આથી જેવી આગ ચાંપવામાં આવી કે તુરંત જ અચાનક ભારે ઝડપે પવન ફુંકાવા લાગ્યો જેથી હોલિકાએ ઓઢેલી વરદાનવાળી ચુંદડી ઉડીને ભકત પ્રહલાદને ફરતે વીંટલાઇ ગઇ. જોતજોતામાં તેનો બચાવ થયો અને આગમાં હોલિકા પોતે જ બળી મરી. આ ઘટનાને અધર્મ ઉપર ધર્મની જીત ગણવાઇ અને ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનના તહેવારની પરંપરા શરૂ થઇ તે વખતે બીજા દિવસે એટલે ફાગણ વદ એકમને દિવસે લોકોએ અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાડી ઉજવણી કરી હતી. જેથી તેનું નામ ધુળેટી પડયું. આથી દર વર્ષે તહેવાર મનાવાય છે.
આ પરંપરાની ઉજવણી કોરોનાના કહેર વચ્ચે પણ લોકોએ જાળવી રાખી હતી. રવિવારે મોડી સાંજ પછી જામનગરમાં શાકમાર્કેટ ચોક સહિત અનેક સ્થળે નાના-મોટા પ્રમાણમાં હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાકમાર્કેટ ખાતે છેલ્લા 65 વર્ષથી ભોંઇ જ્ઞાતિ દ્વારા અનોખી રીતે હોળિકા દહનના કાર્યક્રમનું આયોજન કરાય છે. જેમાં આગમાંથી ભક્ત પ્રહલાદના પૂતળાને બચાવવાની ઘટનાનું નિર્દેશન કરાય છે. મોટી સંખ્યામાં લોકો આ કાયક્રમમાં જોડાય છે. જો કે અમુક સ્થળે આ વખતે હોલિકા દહનનો કાર્યક્રમ સ્વૈચ્છિક રીતે રદ થયો હતો. તો કેટલાક સ્થળે લોકોની એકસાથે હાજરી જોવા મળી ન હતી. પરંતુ એકંદરે હોળીની ઉજવણીની પરંપરા જામનગરવાસીઓએ જાળવી રાખી હતી.
Comments
Post a Comment