પંદરેક દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ દુષિત પાણીના મુદ્દે કર્યો હલ્લાબોલ: ભૂગર્ભ ગટરના ધીમીગતિએ ચાલતા કામથી પણ લોકોને હાલાકી
જામનગર તા.16
જામનગર વોર્ડ નં.8માં આવતા ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી દુષિત પિવાના પાણીની તકલીફ હોવાથી ત્રાસેલા લોકોએ આજે આ વોર્ડના નવનિર્વાચિત મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મંથર ગતિએ ચાલતા ભૂગર્ભ ગટરના કામ અંગે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
જામનગરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની લાઇન સાથે ચેડા થતાં તેમાં ગટરના પાણી ભળી જતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગઇકાલે વોર્ડ નં.12, વોર્ડ નં.6ના વિપક્ષી કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં લોકોને પાઇપલાઇન વાટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઘણું દુષિત હોવાની પુરાવા સહિતની ફરિયાદો કમિશનર સમક્ષ કરી હતી. દુષિત પાણીના સેમ્પલો પણ રજૂ કર્યા હતાં. આથી કમિશનર સતિષ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાએ આ દુષિત પાણીના નમુના લેબોરેટરીમાં મોકલી દીધા હોવાનું જણાવ્યું હતું.
આ પહેલાં પ્રથમ સામાન્ય સભામાં જ વોર્ડ નં.4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ નવાગામ ઘેડ વિસ્તારમાં દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ કરી હતી.
આવી ફરિયાદોનો સીલસીલો હજુ ચાલુ છે અને તેમાં હવે લોકો પણ ફરિયાદ કરવા જાહેરમાં આવી રહ્યાં છે. આજે વોર્ડ નં.8ના ગોકુલનગર વિસ્તારના રહેવાસીઓએ 15 દિવસથી મળતા દુષિત પાણીના મુદ્દે તેમજ ભૂગર્ભ ગટરની સાવ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકોને પડતી હાડમારી મામલે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકોએ આ વોર્ડના મહિલા કોર્પોરેટર સોનલબેન યોગેશભાઇ કણઝારિયાના ઘરે જઇ ઘેરાવ-સુત્રોચ્ચાર કર્યા હતાં અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.
લોકોના કહેવા મુજબ ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તાના ખોદકામમાં કોન્ટ્રાકટરો દ્વારા બેદરકારી દાખવાય છે અને પાણીની લાઇન તુટી જતાં તેમાં ગટરના પાણી ભળી જાય છે. આ મામલે તંત્રે સતત મોનીટરીંગ કરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.
Comments
Post a Comment