શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી આપવાનો લક્ષ્યાંક વ્યકત કર્યો: મહાનગરપાલિકા અને કોર્પોરેટરો વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવી
જામનગર તા.16:
જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા તરીકે નવનિયુકત થયેલા પ્રથમ મહિલા નેતા કુસુમબેન પંડયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પ્રાથમિક આવશ્યક સેવાઓ જેવી કે પાણી, લાઇટ, સફાઇ જેવા કાર્યને પ્રાદ્યનીય આપી નિયમિત્ત રીતે મહાનગરપાલિકામાં હાજરી સાથે લોકોના પ્રશ્ર્નને સાંભળીને ઉકેલ માટે તત્પર રહીશ.
મહાનગરપાલિકાના શાસક જૂથમા મહિલાના નેતા તરીકે પદભાર સંભાળતા કુસુમબેન પંડયાએ જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોને સાથે રાખી વિકાસના કાર્યોને વેગ આપીશ. એક મહિલા તરીકે મારૂ પહેલુ કાર્ય શહેરીજનોને નિયમિત શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે લક્ષ્યાંક છે. મને જયારે ભારતીય જનતા પક્ષ દ્વારા મારામાં વિશ્ર્વાસ મુકી જે પદભાર શાસક જૂથના નેતા તરીકેની જવાબદારી મહાનગરપાલિકામાં સોંપેલ છે. તેને હું એળે નહી જવા દઉ. મારા કોર્પોરેટર કાળના વિસ્તારના પ્રશ્ર્નોથી અને કોર્પોરેટરોની સમસ્યાથી હું વાકેફ છું. ત્યારે શાસક જૂથના નેતા તરીકે પાંચયે પદાધિકારીઓ અને વિરોધપક્ષ તેમજ વહીવટી પાંખ તેમજ કોર્પોરેટરો માટે એક કડીરૂપ બની સાકળની ભૂમીકા અદા કરીશ. મહાનગર પાલિકામાં દૈનિક સવારે સાડા અગ્યિાર વાગ્યાથી તેમજ સાંજે સાડા પાંચ વાગ્યાથી શાસક જૂથના નેતાની ઓફિસમાં લોકોને નિયમિત મળીશ. મહાનગરપાલિકાને લગતા શહેરીજનોના કોઇ પણ પ્રશ્ર્નો હશે તો તે રજૂ કરી શકે છે. આ સાથે સાથે એક મહિલા તરીકે પણ મહાનગરપાલિકાની શાખામાં મહિલાઓને લગતા જુદી-જુદી સેવાઓ અંગે પણ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટેના મારા પ્રયાસો હશે. આવાસ યોજનામાં રહેતા લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ ઉકેલવા મારો પ્રયાસ રહેશે.
Comments
Post a Comment