જામનગર તા.22
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં 6,500 લોકોને રસી આપવામાં આવી છે.જેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થલાઈન વર્કર્સ, સિનિયર સિટિઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 6 હજારથી વધુ લોકોમાં 2 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 2569થી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે.
જી.જી.હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજ દિન સુધી (20 માર્ચ, 2021) 2011 હેલ્થકેર વર્કર્સ (આરોગ્યકર્મી)ઓને અને 2569 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે.
આ ઉપરાંત 1900થી વધુ સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પણ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેમને પણ રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસની સંખ્યા વધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદની બેઠક યોજી રસીકરણની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની સૂચના આપી હતી, જેના પગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ તાલીમબધ્ધ સ્ટાફ,અને અતિ કો-ઓપરેટીવ વાતાવરણમાં પોતાને રસી મળી તેમ સંતોષ વ્યકત કરતા સીનીયર સિટિઝન દંપતિ હરસુખલાલ ભારદીયા અને અરુણાબેન ભારદીયા કહે છે કે, અમે દંપતિએ આજે રસી મૂકાવી, જી.જી. હોસ્પિટલ ખાતે ખૂબ સરળતાથી આ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રસી લેતા સમયે અને લીધા બાદ પણ અમને કોઇ જ તકલીફ થઇ નથી. આ સાથે હરસુખભાઇ અન્યોને પ્રેરણા સાથે જ નમ્ર અરજ કરતા કહે છે કે, આ રસી ખૂબ સુરક્ષિત છે અને તેનાથી કોઇ આડઅસર નથી ત્યારે દરેક સિનિયર સિટિઝન આ રસી મૂકાવી સુરક્ષિત બને.
Comments
Post a Comment