જામનગર તા.27:
જામનગરમાં તાપમાનમાં એકાએક સીધો બે ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેને લઇને આકરો તાપ અનુભવાઇ રહ્યો છે. આમ જોઇએ તો હોળીના પર્વ સાથે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થશે.
જામનગરમાં આ અઠવાડિયામાં ઠંડીમાં ધીમે-ધીમે ઘટાડા સાથે શિયાળાની વિદાય હોળીના પર્વ ઉપર જ થઇ જાય તેવુ વાતાવરણ સર્જાયુ છે. સાથે સાથે સુર્યના તાપે આકરો મિજાજ ધીમે-ધીમે બતાવવાનું શરૂ કરી દેતા ઉનાળાનું આગમન શરૂ થઇ જશે. જો કે, મહત્તમ તાપમાનનો પારો પણ 24 કલાકમાં જ 2 ડિગ્રીના વધારા સાથે 39 ડિગ્રીએ પહોંચ્યો છે. મૌસમમાં સૌથી ગરમ દિવસ 39 ડિગ્રી સાથે આજથી શરૂ થઇ ગયો હોય તેવુ લાગે છે. લઘુત્તમ તાપમાનનો પારો પણ 19 ડિગ્રીએ પહોંચ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું છે. જયારે પવનની ઝડપ ઘટીને 4.9 પ્રતિ કિલોમીટર નોંધાઇ છે.
જામનગરમાં ઉનાળાના આગમન જેવો તાપ અને ગરમી જેવુ વાતાવરણ સવારથી જ શરૂ થઇ જાય છે અને મધ્યાહન સમયે તો સુર્યનો તાપ અને ત્રિવ ગરમી સાથે વિશેષ તાપનો અનુભવ રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે. પવનની ગતિમાં ઘટાડો થયો છે. ધીમે-ધીમે શહેરીજનો ઉનાળાની લુ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દરિયાઇ કાંઠા વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરી છે ત્યારે આરોગ્ય વિભાગે પણ ગરમી અને તાપમાનમાં લોકોને કામ વગર બહાર ન નિકળવા સાથે પાણી પીવાનું વધારવા અનુરોધ કર્યો છે. સાથે સાથે તાપથી બચવા માટે થઇને બપોરના 1 થી 3 દરમ્યાન ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો આ તાપમાં બહાર નીકળે તેઓએ માથા ઉપર શરીરના રક્ષણ માટે કેપ પહેરીને નિકળવા પણ જણાવાયું છે. ઉનાળાની શરૂઆત થતા જ શરેડીનો રસ, ઠંડાપીણાની દુકાનો અને રેકડીઓ ઉપર લોકોની ભીડ જામી રહી છે સાથે સાથે ઉનાળાના આરોગ્ય માટે લાભદાયક તરબુચની માંગમાં વધારો થયો છે. ઉનાળાના આગમન સાથે શહેરી જીવન પણ બપોરના સમયે સુમસામ થઇ જાય છે.
Comments
Post a Comment