જામનગર તા.16
:
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર હવે ગતિ પકડી ચુકયો છે. સત્તાના પુનરાવર્તન માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે શનિવારે જામનગરમાં ભાજપના ઉમેદવારોના ચુંટણી પ્રચારાર્થે જાહેરસભા કરી હતી. મતદાનને આડે હવે માત્ર છ દિવસ જ બાકી છે ત્યારે ગત ચુંટણી બાદ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વધેલા 67,178 નવા મતદારો કયા વોર્ડમાં કોની તરફ મતદાન કરશે તેના ઉપર પરિણામનો આધાર રહેશે. આ સંજોગોમાં આજની સ્થિતિ શું છે ? તેનો ટૂંકસાર સાંજ સમાચારના વાંચકો સમક્ષ રજૂ કરીએ છીએ.
વોર્ડ.નં.1
છેલ્લે ડિસેમ્બર 2015માં યોજાયેલી ચુંટણીમાં વોર્ડ નંબર 1 માં 27,201 મતદારો હતા. આ પૈકી 18,113 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હુશેનાબેન અનવરભાઇ સંઘાર, જુબેદાબેન એલીયાસ નોતીયાર, ઉંમર ઓસમાણ ચમડીયા અને કાસમ નુરમામદ ખફી વિજેતા થયા હતા. આ વખતે ઉંમર ચમડીયા અને હુશેના સંઘાર કોંગેસને બદલે ભાજપમાંથી ચુંટણી લડે છે. કાસમ ખફી નાદુરસ્ત તબિયતને લીધે ચુંટણી લડતા નથી. તેમના સ્થાને એડવોકેટ નુરમામદ હારૂન પલેજા ચુંટણી લડે છે. જુબેદાબેન રીપીટ થયા છે. જયારે અનામત બેઠક ઉપર સમજુબેન પાટીયા ચુંટણી લડે છે. ભાજપના નવા ઉમેદવાર તરીકે મનીષાબેન અનિલભાઇ બાબરીયા અને ફીરોજ હુશેનભાઇ પતાણી ચુંટણી લડે છે. ફીરોજ પતાણી ભૂતકાળમાં કોંગ્રસના કોર્પોરેટર હતા.
વોર્ડ.નં.1માં આ ચુંટણી માટે નવા 5049 નવા મતદારો ઉમેરાયા છે. જે સ્વાભાવિક રીતે 70% મુસ્લિમ સમાજના છે અને 30%માં અન્ય તમામ જ્ઞાતિના છે. આ વોર્ડ મોટા ભાગે કોંગ્રેસ સાથે રહેતો આવ્યો છે. ગત વખતે કોંગ્રેસમાંથી જીતનાર પૂર્વ કોર્પોરેટરો ભાજપની તરફેણમાં મતદાન કરાવી શકે છે કે કેમ? તેના ઉપર પરિણામ નિર્ભર છે. હાલની પરિસ્થિતિએ કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતા થોડી વધુ સારી ગણાય છે.
વોર્ડ.નં.2
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.2માં ગત ચુંટણી વખતે 25,302 મતદારો હતા. જે પૈકી 14,134 મતદારોએ મતદાન કર્યુ હતું. આ વોર્ડમાં ભાજપના કિશનભાઇ માડમ, જનકબા જાડેજા, ચેતનાબેન પુરોહિત ભાજપમાંથી જીત્યા હતા. જયારે જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) કોંગ્રેસમાંથી જીત્યા હતા. આ વખતે જનકબા અને ચેતનાબેનની ટિકીટ કપાઇ છે અને તેમના સ્થાને ડિમ્પલબેન રાવલ, દિશાબેન આલાભાઇ ભારાઇ (રબારી)ને ટિકીટ મળી છે. જયેન્દ્રસિંહ ભાજપમાંથી લડે છે અને કિશનભાઇ માડમ વોર્ડ.નં.5માં મુકાતા તેમના સ્થાને જયપાલસિંહ જાડેજા ચુંટણી લડે છે. કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) આ વોર્ડમાં ખુદ લડે છે અને તેમની સાથે નસીમાબેન મુરીમા, સીલાબા નરેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા ચુંટણી લડે છે. આ વખતે 3058 નવા મતદારો ઉમેરાતા કુલ મતદારોની સંખ્યા 28,360 થઇ છે. રાજપુત અને મુસ્લિમ મતદારો વધ્યા છે. ભાજપ બે અને કોંગ્રેસ ત્રણ રાજપુત ઉમેદવારો સાથે ચુંટણી લડે છે. એક તરફ કોંગ્રેસ પ્રમુખ છે તો બીજી તરફ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મોરચો સંભાળી રહ્યા છે. આજની સ્થિતિએ કોંગ્રેસ કરતા ભાજપની સ્થિતિ 2% વધુ સારી ગણાઇ.
વોર્ડ નં.3
વોર્ડ નં.3માં ગત ચુંટણી વખતે 22,508 મતદારોમાંથી 10,431 લોકોએ મતદાન કર્યુ હતું. આ વોર્ડ ભાજપનો ગઢ ગણાય છે. ગત ટર્મમાં ભાજપની પેનલના દિનેશભાઇ પટેલ, સુભાષભાઇ જોષી, ઉષાબેન કંટારીયા અને અલ્કાબા જાડેજા વિજેતા થયા હતા. આ વખતે આ વોર્ડમાં સુભાષ જોષી અને અલ્કાબા જાડેજા રીપીટ થયા છે. દિનેશભાઇ ચાર ટર્મ અને 60ની વય મર્યાદા વટાવી ગયા હોવાથી ભાજપના નવા નિયમ મુજબ ચુંટણી લડી રહ્યા નથી. તેમના સ્થાને કડવા પાટીદાર અગ્રણી પરાગભાઇ પોપટભાઇ પટેલ ઉપરાંત પન્નાબેન રાજેશભાઇ કટારીયાને ટિકીટ મળી છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી આ વખતે દિપ્તીબેન કમલેશભાઇ પંડયા, મીરાબેન રાજેશભાઇ રાયઠઠ્ઠા, શકિતસિંહ મહેન્દ્રસિંહ જેઠવા અને લલીતભાઇ ખીમજીભાઇ ભાલોડીયા ચુંટણી લડે છે. આમ ભાજપ અને કોંગ્રેસે સમાન જ્ઞાતિના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વખતે આ વોર્ડમાં 2,116 મતો નવા ઉમેરાયા છે. જેમાં બ્રાહ્મણ અને રાજપુત જ્ઞાતિના મતો વિશેષ વધ્યા છે. જેનો લાભ ભાજપને કદાચ વધુ થાય તેમ હાલ જણાય છે.
વોર્ડ.નં.4
વોર્ડ.નં.4માં ગત ચુંટણીમાં ભાજપના એક માત્ર ઉમેદવાર કેશુભાઇ માડમ જીત્યા હતા. જયારે અન્ય ત્રણ ઉમેદવાર વકિલ આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા અને જડીબેન સરવૈયા કોંગ્રેસમાંથી જીત્યા હતા. આ પછી રચનાબેન અને જડીબેન ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપના ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ ટિકીટ નહી મળે તેવી ભનક લાગતા રચનાબેન ફરી કોંગ્રેસમાં ગયા છે અને ઉમેદવાર બન્યા છે. જયારે જડીબેનને ભાજપે ટિકીટ આપી છે. જયારે ભાજપે અન્ય ઉમેદવાર તરીકે ભાનુબેન વઘેરા અને પૃથ્વીરાજસિંહ ઝાલાને ટિકીટ આપી છે.
આ ચુંટણી માટે આ વોર્ડમાં 3492 મતદારો વધતા કુલ મતદારની સંખ્યા 28,416 થઇ છે. ગત વખતે 24,924 માંથી 13,952 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવા ઉમેરાયેલા મતદારોમાં ઓબીસી, બ્રાહ્મણ અને રાજપુત મતદારોનો વધારો નોંધાયો હોવાનું જાણવા મળે છે. પરિણામે ગત ચુંટણી કરતા આ વખતે ભાજપને થોડો લાભ મળે તો નવાઇ નહી કેમ કે ચારેય બેઠક સામાન્ય (જનરલ) થઇ છે.
Comments
Post a Comment