જામનગર તા.1
આખરે વસમા બનેલા 2020 ના વર્ષની વિદયા થઇ છે અને નવી આશાઓ સાથેના 2021 ના વર્ષનો આજે પ્રારંભ થયો છે.
કોરોનાને કારણે વિશ્ર્વભરમાં સામાજીક, આર્થિક પ્રશ્ર્નોની ભરમાર 2020 ના વર્ષમાં આવી હતી. તેમાં જામનગર શહેર અને જિલ્લો પણ બાકાત નથી. કોરોનાની મહામારીને લીધે લોકોના નાના-મોટા વેપાર-ધંધાને ભારે આર્થિક નુકસાન થયું હતું. અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો હાલારમાં 1000 જેટલા લોકોએ કોરોનાને લીધે જિંદગી ગુમાવતા તેમના પરિવારજનોને મોટી ખોટ પડી છે.
કોરોના મહામારીએ જીવન પધ્ધતિને પણ બદલવાની ફરજ પાડી છે. શારીરિક, માનસિક અને આર્થિક રીતે આફત લઇને આવેલ કોરોનાને કારણે 2020 નું વર્ષ વસમું સાબિત થયું અને તેથી લોકો રાહ જોતા હતાં કે 2020 નું વર્ષ હવે જલ્દી જાય તો સારૂં. લોકોને એવી આશા પણ છે કે 2021 નું વર્ષ કોરોનાની નાબુદીનું નિમિત બનશે અને જીવનની રફતાર ફરી પાટા ઉપર પહેલાં જેટલી ગતિએ ચાલશે. આખરે ગઇકાલે ઇ.સ.2020 નો અંતિમ સૂર્યાસ્ત લોકોએ નિહાળ્યો હતો અને આજે ઇ.સ.2021 નો પ્રથમ સૂર્યોદય સૌ માટે સારાવાના કરનાર બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
Comments
Post a Comment