વર્ષોથી શ્રદ્ધાળુઓ આવે છે મહાદેવના દર્શનાર્થે : માત્ર પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ કરે છે મહાદેવ : ગુજરાત બહારથી પણ લોકો આવે છે સ્વયં ભૂ પ્રગટ થયેલ શિવલિંગના દર્શનાર્થે : શ્રાવણમાસમાં રોજે શિવને અનેરા શણગાર થાય છે : કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનની મંજૂરી
આજના વધી રહેલા ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં પણ હજુ ધર્મનું વર્ચસ્વ ખોવાયું નથી. ભક્તોમાં દેવ-દેવીઓને લઈને હજુ પણ અનેરી શ્રદ્ધા અને લોકવાયકા છે. તેવું જ એક મંદિર છે જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલ ‘કુબેરભંડારી મહાદેવ‘ નું મંદિર. આ મંદિરનો ઇતિહાસ એટલો જ રસપ્રદ છે કે દરેક ભક્તને એક વખત તો શિવના દર્શને જવાની ઈચ્છા જાગૃત થાય જ.
જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલ ‘કુબેર ભંડારી મહાદેવ‘ સ્વયં ભૂ પ્રગટ થયા છે. મંદિરની બાજુમાં જ જોગી બાબાની સમાધિ આવેલ છે. વર્ષો પહેલા જોગીબાબા આ જગ્યા પર રહેતા ઝૂપડું બાંધીને રહેતા ત્યારે ભિક્ષાવૃતિ કરીને ખાતા હતા. અને એક દિવસ મહાદેવ સ્વયં તેમના સપનામાં આવ્યા અને મહાદેવે કહ્યું કે જો તમે પીપળાનું આ ઝાડ આવેલ છે તેના નીચે સવારના સમયે ખોદકામ કરશો તો ધનની પ્રાપ્તિ થશે અને રાત્રિના સમયે ખોદકામ કરશો તો સ્વયં શિવલિંગ પ્રગટ થશે. પરંતુ સાધુને ધનની લાલચ ન હોવાથી તેણે લોકો સાથે મળીને રાત્રિના સમયે ખોદકામ કર્યું અને સાક્ષાત શિવલિંગ પ્રગટ થઈ. બાદમાં શિવલિંગની ફરતે મંદિરની રચના કરવામાં આવી. અને ભગવાનની આ લીલાથી "કુબેર ભંડારી મહાદેવ" મંદિરનો મહિમા ધીમે ધીમે વધતો ગયો. ત્યારથી ભગવાન શિવના દર્શન માટે અંહી રોજે મોટી સંખ્યામાં લોકો આવે છે.
મંદિરના પૂજારી દિલીપગિરિ ડી.ગોસાઇએ જણાવ્યુ હતું કે કે કોઈ ભાવિક સાચા દિલથી કુબેરભંડારી મહાદેવ ને રટે છે તેની મનોકામના આવશ્ય પૂરી થાય છે. અને પાંચ અમાસ ભરવાથી લોકોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માટે આ મંદિરે શ્રાવણમાસ, તેમજ સોમવારની સાથે સાથે અમાસના દિવસે આવવાનું પણ મહત્વ અનેરૂ છે. લોકો જામનગર જિલ્લા તથા આજુ બાજુના વિસ્તારોમાંથી પણ શિવલિંગના દર્શનાર્થે આવે છે.
હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીના પરિણામે મંદિરે આવનારા ભક્તોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ઉપરાંત મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જ ભક્તોને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રાવણમાસમાં મહાદેવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. એમાં કૈલાશ દર્શન, રુદ્રાક્ષ લિંગ જેવા દર્શન રાખવામા આવે છે.
Comments
Post a Comment