શહેરી વિસ્તારમાંથી વધુ 24 દર્દીઓના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ
જામનગર તા.6
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ માઝા મૂકી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગઈ કાલનો દિવસ કોરોના માટે ખૂબ જ ગોઝારો સાબિત થયો છે. કોરોનાની મહામારી માટે કાલે મોડી રાત્રે જી. જી. હોસ્પિટલના બિછાને બે દર્દીઓએ દમ તોડી દીધો છે, ત્યાર પછી આજે સવારે પણ બે દર્દીઓના મૃત્યુ નીપજતાં હાહાકાર મચી ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 62 પોઝિટિવ કેસ નોંધાયા પછી આજે સવારે વધુ 24 પોઝિટિવ કેસ સામે આવતા ભયનો માહોલ ફેલાયો છે.
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા જામનગરના કેશવજીભાઇ નામના 78 વર્ષના વયોવૃદ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. ઉપરાંત જામનગરના 76 વર્ષની ઉંમરના નવીનભાઈ કંસારા નામના વૃદ્ધ દર્દીનું પણ જી.જી.હોસ્પિટલ ના બિછાને મૃત્યુ નિપજયું છે. આ ઉપરાંત આજે સવારે પણ વધુ બે દર્દીઓએ દમ તોડી દીધો છે. ગઈકાલે રાત્રે તેમજ આજે સવારે ચાર દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજયા હોવાથી શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
જામનગર શહેરમાં ગઇકાલે એક જ દિવસમાં એકીસાથે 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા, અને તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. દરમિયાન આજે સવારે જામનગરની જી.જી.હોસ્પિટલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા જામનગર શહેરના વધુ 24 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જેમાં કેશવજીભાઇ મૂળજીભાઇ મુંગરા (76), પૂજાબેન વિમલભાઈ કનખરા (40) ફિરોજભાઈ મોહમ્મદભાઈ કાદીયાણી (31), રેખાબેન પ્રફુલભાઈ સાવલિયા (64), હિરેન જયંતીભાઈ મૂંજાલ (37), દામજીભાઈ કરસનભાઈ દડીયા (61), હર્ષદ દિનેશભાઈ મોદી(28), બાબુલાલ ભાલારા(62), દક્ષાબેન ભીમાણી(53), રૂપલ મહેતા (44), જસ ભાગ્યેશ ભાઈ મહેતા(19), નીપાબેન દિનેશ ભાઈ કટારીયા(50), આસલ ભાઈ મોહનભાઈ (49) હુજેફાબેન સોની(49), ભાગ્યશ્રી બેન (25), કેવલ છત્રાલા (27), વિમલભાઈ કનખરા (44), જાદવજીભાઈ જોઈસર (50), દિનકરભાઈ જોઇસર (45), લવપ્રીતસિંગ હરપાલસિંઘ ( હોટલ પ્રેસિડન્ટ) (27), વિનેશ ભાઈ નારણભાઈ (49), સાગર નાકર (28), અને હસમુખભાઈ નાકર (62) વગેરેનો સમાવેશ થાય છે. જે તમામને પણ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ મા દાખલ કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે, સાથોસાથ લોકોમાં પણ તહેવારના સમયે કોરોનાનું સંક્રમણ વધવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Comments
Post a Comment