3,37,444 હેક્ટરમાં ખરીફ પાકનું થઇ ચુક્યું છે વાવેતર: ધ્રોલ અને જોડિયામાં થયેલા ભારે વરસાદને કારણે ખરીફ પાકને ફટકો: જો કે હજુ વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ગત્ વર્ષ કરતા વધુ વાવેતર થવાની શક્યતા
જામનગર જિલ્લામાં ચાર વર્ષ બાદ ચાલુ વર્ષે પ્રિ-મોન્સુન એકટીવીટીમાં નોંધપાત્ર વરસાદ બાદ 15 જૂન પછી વિધિવત ચોમાસાના આગમન બાદ મેઘરાજાએ સમયસર સચરાચર મેઘમહેર કરતા ખેડૂતોએ ખરીફ પાકનું હોશભેર વાવેતર કર્યું હતું. જિલ્લામાં સરેરાશ 3,46,150 હેકટર ખરીફ પાકના વાવેતર સામે ગતવર્ષે સીઝનમાં કુલ 346886 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેની સાપેક્ષમાં ચાલુ વર્ષે સમયસર ચોમેર શ્રીકાર વર્ષા થતાં જિલ્લામાં 23 જુલાઇ સુધીમાં એટલે કે એક મહિનામાં જિલ્લામાં 97 ટકા એટલે કે 3,37,444 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચૂકયું છે. જો કે, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખરીફ પાકના વાવેતરને ફટકો પડયો છે. પરંતુ હજુ ખરીફ પાકના વાવેતરની પ્રક્રિયા ચાલી રહી હોય વાવેતર વધશે તેમ ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં ગતવર્ષે ખરીફ પાકમાં કુલ 1,47,978 હેકટરમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું. પરંતુ આ વર્ષે સચરાચર મેધવર્ષા થતાં મગફળીનું કુલ 2,23,175 હેકટરમાં વાવેતર થયું છે.જે ગતવર્ષની સાપેક્ષમાં 75,197 હેકટર વધુ છે. જો કે, ગતવર્ષે 1,66,549 હેકટરમાં થયેલા કપાસના વાવેતરની સરખામણીએ આ વર્ષે ફકત 931,94 હેકટરમાં વાવેતર થતાં 73,355 હેકટરનો ધટાડો નોંધાયો છે.
જોડિયા તાલુકામાં અન્ય પાક તરીકે અજમાનું વાવેતર થયું છે. વળી આ તાલુકામાં વરસાદ અન્ય તાલુકા કરતા થોડો મોડો થતાં હાલમાં વાવણીની કામગીરી ચાલુ છે. તદઉપરાંત ભૌગોલીક પરિસ્થિતિના કારણે ચણાનું વાવેતર ખરીફ સીઝનના બદલે રવી સીઝનમાં થાય છે.
Comments
Post a Comment