હાટેકેશ્વર મહાદેવ મંદિરમાં પંચેશ્વર મહાદેવ, ત્રિ શિવલિંગ સિવાયના અન્ય નાના મોટા 19 દેવી-દેવતાઓ : કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને નિયમોનું ચુસ્ત પાલન : ભક્તોને માત્ર દર્શન કરવાની જ છૂટ : તમામ પ્રકારની ધાર્મિક વિધિ પર રોક : લાઈવ દર્શનનું આયોજન
જામનગર જિલ્લાના દરેક શિવાલયોમાં શ્રાવણમાસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ દરેક વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવી છે. તેવું જ એક મંદિર છે જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ નું મંદિર.
જામનગર શહેરના હાવઈચોક વિસ્તારમાં આશરે 80 વર્ષ પહેલા નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નાગર જ્ઞાતિ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના ઈસ્ટદેવ પણ છે. મુખ્ય મંદિર સિવાય પણ મંદિરમાં ભગવાન શિવના અન્ય મંદિરો જેમાં નર્મદેશ્વર મહાદેવ, રીંડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ,ગોપાલેશ્વર મહાદેવ ઉપરાંત અન્ય દેવી દેવતાઓના મંદિર જેમાં ગાયત્રી માતા, અંબાજીમાતા, ભક્ત શ્રી નરસિંહ મહેતા, ઉપરાંત કાલભૈરવનું મંદિર આવેલ છે. કાલભૈરવના મંદિરને લઈને ભકતોમાં અનેરી શ્રદ્ધા છે.
મંદિરના પૂજારી રમેશભાઈ ભટ્ટે જણાવ્યુ હતું કે હાલ કોરોના વાઇરસની મહામારીને લઈને મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તો પાસે નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. મંદિરનો સમય સવારે 6થી12 અને સાંજે 5થી8નો રાખવામા આવેલ છે. મંદિરમાં જળાભિષેક તથા તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે. આ ઉપરાંત પ્રવેશ કરનાર દરેક વાયક્તિ માટે સેનિટાઇઝરની અને હાથ ધોવાની વયવસ્થા પણ કરવામાં આવી છે. તથા તમામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત તમામ નિયમોનું પાલન કરવાનું રહે છે. વધુમાં મંદિરના પૂજારીએ જણાવ્યુ હતું કે દરવર્ષે મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે પરંતુ હાલ ચાલી રહેલ મહામારીના પરિણામે રોજે 60-70 ભક્તો આવે છે. મોટા પ્રમાણમાં ભક્તો આરતીનો લ્હાવો લઈ શકે તે માટે લાઈવ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રાવણ માસના દરેક સોમવારે મંદિરમાં મહાઆરતી અને ભવ્ય શણગારનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે લઘુરુદ્રનું આયોજન પણ કરવામાં આવે છે. મંદિરની સ્થાપના ચૈત્ર સુદ ચૌદસના દિવસે કરવામાં આવી હોવાથી દર વારે ભવ્ય શોભાયાત્રાનું તથા શણગારનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત મંદિરના પ્રમુખ અમિતભાઈ ઓઝા દ્વારા અનેક રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
Comments
Post a Comment