જામનગર તા. 6 :
છોટી કાશી એવા જામનગર શહેરના લોકોમાં પણ સોમવારથી ધાર્મિક સ્થળો ખુલી રહ્યા હોવાની બાબતે ઉત્સાહ જોવા મળે છે.
22 માર્ચના રોજ જનતા કફર્યુના દિવસે ધાર્મિક સ્થાનો સ્વયંભુ બંધ રહ્યા હતા અને 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન થતા બંધ કરાયા હતાં.
લોકડાઉનના 4 તબકકા પુરા થયા બાદ અનલોક-1 ના પ્રથમ તબકકો આવતીકાલ રવિવારના રોજ પુરો થાય છે. 8 જુન-સોમવારથી શરતોને આધીન ધાર્મિક સ્થળો ખોલવાની છુટ આપતી જાહેરાત સરકારે કરી છે. સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર્સની વ્યવસ્થા મંદિર સંચાલકોએ કરવાની રહેશે.
સરકારની ગાઇડ લાઇનના ભંગની સમસ્યા મોટાભાગના નાના મંદિરોમાં નડશે નહીં પરંતુ જયાં દરરોજ અસંખ્ય લોકો દર્શન-પૂજા કરવા જતા હોય તેવા મોટા મંદિરોમાં આ પ્રશ્ર્નો ઉભો થઇ શકે છે.
આ ઉપરાંત દરગાહ-મસ્જીદ, ગુરૂદ્વારા કે ચર્ચ સહિતના ધાર્મિક સ્થળોને પણ સોમવારથી ઉપરોકત શરતોને આધીન ખોલવાની છુટ મળી છે.
70 દિવસથી શ્રધ્ધાળુઓ તેના ધાર્મિક સ્થાનમાં ગયા ન હોવાથી સોમવારે ધર્મસ્થાનમાં જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. શરૂઆતના બે-ત્રણ દિવસ વિશેષ ભીડ થાય તેવી પણ શકયતા છે.
Comments
Post a Comment