જામનગર તા ૧૬
૧૬ મે એટલે કે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”. ડેન્ગ્યુ રોગથી ભારતમાં દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે જામનગર જિલ્લામાં પણ ગત વર્ષે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો હતો ત્યારે આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કમિશનરશ્રી સતીષ પટેલે ડેન્ગ્યુ તાવને અટકાવવા લોકોને તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે.
ડેન્ગ્યુએ એડીસ ઇજીપ્તી મચ્છરથી ફેલાય છે. જે એક ઘરમાં અંદર કે આજુબાજુમાં રહેલા ચોખ્ખા અને બંધિયાર પાણીના પાત્રોમાં ઉત્પન્ન થાય છે. આ ચેપી માદા એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે આ મચ્છર દિવસે કરડે છે તેમજ આ મચ્છરો અંદાજે ૨૦૦ મીટર સુધી ઊડી શકે છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સ્નાયુ અને સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, આંખોની પાછળ દુખાવો તેમજ સખત તાવ જોવા મળે છે.
ગત વર્ષે જામનગર પણ ડેન્ગ્યુના અનેક કેસ જોવા મળ્યા હતા ત્યારે ડેન્ગ્યુને અટકાવવા અત્યારથી જ તકેદારીના પગલાં લેવાય તેવા અનુરોધ સાથે કમિશનરશ્રીએ કહ્યું હતું કે, મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પાણી ભરેલા પાત્રને/ટાંકીઓને લોકો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખે. દર અઠવાડિયે કુલરનું પાણી ખાલી કરી, સાફ કરી તડકામાં સુકવી અને ત્યારબાદ પાણી ભરે. ફૂલદાની, છોડના કુંડા, ફ્રીજની ટ્રે તથા પક્ષીકુંજમાંથી અઠવાડિયામાં બે વાર પાણીનો નિકાલ કરી, સાફ કરી, સૂકવી ફરીથી ઉપયોગમાં લે. ઘરનાં ધાબા તથા ફળિયામાં પડેલા તમામ બિનઉપયોગી પાત્રો, વાહનોના ભંગાર, જુના ટાયર, તૂટેલા વાસણ, બિનઉપયોગી કાચની બોટલો, ડબ્બા તથા અન્ય ભંગારની વસ્તુઓ, નાળિયેરની કાચલી વગેરેનો યોગ્ય નિકાલ કરે. મચ્છરના કરડવાથી બચવા લોકો પૂરે-પૂરું શરીર ઢંકાય તેવા લાંબી બાયના કપડાં પહેરે તેમજ મચ્છરથી બચવા માટે અગરબત્તી, રીપેલેન્ટસ તેમજ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે. દિવસ દરમિયાન આરામ કરતા સમયે મચ્છરોના કરડવાથી બચવા લોકો મચ્છરદાનીનો ખાસ ઉપયોગ કરે અને દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનિટનો સમય કાઢી ઘરના તમામ પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી. જો તેમાં મચ્છરના પોરા દેખાય તો પુરાવાનો નાશ કરે, આમ કરવાથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાશે અને જામનગર મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાથી બચી શકશે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.
Comments
Post a Comment