જામનગરના પ્રજાહિતમાં વર્ષોથી કામ કરતા ‘સાંજ સમાચાર’ના સિનિયર પત્રકાર જગત રાવલને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા સંવેદના દર્શાવવાના બદલે લોકોએ કાવાદાવા કર્યા, ખોટા મેસેજ વાયરલ કર્યા: ખુદ રાજકીય નેતા પણ માનવતા ચૂકયા: રાજકીય રોટલા શેકવાના પ્રયાસો થયા કોર્પોરેટર પત્નીની અમદાવાદમાં ‘ઈમરજન્સી’ સર્જરી કરાવીને પરત આવ્યા બાદ જગત રાવલ તથા પરિવારે ઘરમાંથી પગ પણ બહાર નથી મુકયો છતાં લોકોના અનુચિત વર્તનથી ‘સામાજીક સમભાવ’ની દ્દષ્ટિએ ચિંતાજનક
જામનગર તા.12
કોરોના વાયરસની લડાઈ સામે દેશગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના લોકો ‘વોરીયર્સ’ તરીકે ઉભર્યા છે છતાં તેઓને પ્રજાકીય સંવેદના મળવાને બદલે સામાજીક દ્રષ્ટીએ અનુચિત વર્તનનો સામનો કરવો પડતો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘સાંજ સમાચાર’ના સિનિયર પત્રકાર અને વર્ષોથી અખબારી આલમ સાથે સંકળાયેલા જગત રાવલને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા તેમની સાથે અનેક લોકોએ સંવેદના દર્શાવવાના બદલે મોઢુ ફેરવી લીધુ છે. એટલું જ નહી અનેકવિધ કાવાદાવા કરીને રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો કરવાનું શરૂ કરતા સામાજીક દરારની છાપ ઉભી થઈ છે.
જામનગરના ‘સાંજ સમાચાર’ના પત્રકાર જગત રાવલને ગઈકાલે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. તેઓના કોર્પોરેટર પત્ની ડિમ્પલબેન રાવલને સ્પાઈનની ઈમરજન્સી સર્જરીની સ્થિતિ સર્જાતા અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં સર્જરી કરાવવા માટે તેઓ અમદાવાદ ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ હોમ કવોરેન્ટાઈન દરમ્યાન રિપોર્ટ કરાવાતા કોરોના પોઝીટીવ હોવાનું માલુમ પડયું છે. વાસ્તવિકતા એ છે કે અમદાવાદમાં સેલ્બી હોસ્પિટલમાં સર્જરી દરમ્યાન તેઓએ હોસ્પિટલની બહાર પગ મુકયો નથી. અમદાવાદમાં જ તેઓના બહેન સહિતના સગાસંબંધીઓ રહેતા હોવા છતાં કોઈના નિવાસે ગયા ન હતા કે કોઈ સંબંધીઓને હોસ્પિટલ પણ તેડાવ્યા ન હતા. આ જ રીતે પત્નીની સર્જરી કરાવીને પરત આવ્યા બાદ ધ્રોલ ચેકપોસ્ટ નજીક સ્ક્રીનીંગ કરાવ્યું હતું અને ત્યારબાદ આરોગ્યતંત્રની સૂચના મુજબ હોમ કવોરેન્ટાઈન થઈ ગયા હતા. આ દરમ્યાન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તે પોઝીટીવ આવ્યો હતો. જો કે તેમના પત્ની ડિમ્પલબેનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. રાવલ પરિવાર ઈમરજન્સી સર્જરીને કારણે આરોગ્યની દ્રષ્ટીએ માનસિક પીડા ધરાવતો જ હતો તેવા સમયે જગત રાવલને પોઝીટીવ રિપોર્ટ આવતા લોકોએ સંવેદના દર્શાવવાના બદલે મોઢુ ફેરવી લીધુ છે એટલું જ નહીં તેમના વિરુદ્ધ કાવાદાવા શરુ કર્યા હોય તેમ ખોટા અને મનઘડત મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા છે. આસપાસમાં રહેતા ન હોવા છતાં કેટલાક લોકોએ તેમના વિરુદ્ધ મેસેજ વાયરલ કર્યા છે. સામાન્ય લોકો તો ઠીક જામનગરના રાજકીય નેતા પણ સંવેદના ચૂકયા હોય તેમ ફોનમાં ‘ગમે તેવો બફાટ’ કર્યો હતો. જેના કારણે પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
જગત રાવલ સિનિયર પત્રકાર છે અને જામનગરના પ્રજાકીય પ્રશ્ર્નો ઉઠાવીને લોકોની અનેકવિધ સમસ્યાઓ ઉકેલી છે તેવી જ રીતે તેમના પત્ની કોર્પોરેટર છે અને હજારો લોકોના સમાજસેવાના કાર્યો કર્યા છે. આવા સેવાભાવી પરિવાર સાથે લોકોનું વિચિત્ર અને અનુચિત વર્તન જામનગરના લોકોમાં ટીકાપાત્ર બનવા લાગ્યું છે. અમદાવાદથી સર્જરી કરાવીને પરત આવ્યા બાદ જગત રાવલ, તેમના પત્ની, માતા અને બે સંતાનોમાંથી કોઈએ ઘરની બહાર પગ મુકયો ન હોવા છતાં લોકોનું વર્તન ટીકાપાત્ર ગણાવાઈ રહ્યું છે. તેમના પત્નીની સેલ્બી હોસ્પિટલમાં બે વખત સર્જરી કરાવવામાં આવી હતી. છેલ્લી સર્જરી તો ઈમરજન્સીમાં કરાવવામાં આવી હતી એટલે લોકડાઉન વચ્ચે તેઓને ફરજીયાત અમદાવાદ જવુ પડયું હતું.
Comments
Post a Comment