અમદાવાદથી ગઇકાલે આવેલા કેટલાંક લોકોને ઠેબા પાસેના કોરેન્ટાઇન સેન્ટર સમરસ હોસ્ટેલમાં ખસેડાયા હતાં: જામનગર શહેરના વાણિયાવાડ નજીક રહેતી ત્રણ મુસ્લિમ મહિલાઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યાના અહેવાલ: કલેક્ટરે બપોરે અહેવાલોને સમર્થન આપ્યું
જામનગર તા.4:
જામનગરમાં 29 દિવસ બાદ આજે કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ સામે આવતા સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. દરેડના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ નોંધાયા બાદ જામનગર શહેર ઓરેન્જ ઝોનમાં આવી ગયું હતું. આ પછી સરકારની ગાઇડલાઇન મુજબ 21 દિવસ નવો કેસ ન આવતા જામનગર જિલ્લો કોરોના મુકત થયો હતો. ગઇકાલે જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં લવાયા બાદ જામનગરને આ ગ્રીન જાણે માફક ન આવ્યો હોય તેમ આજે વધુ ત્રણ દર્દીના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ દોડતુ થયું છે. સંબંધિત વિસ્તારમાં આરોગ્યની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે.
જામનગરના દરેડ ગામે નબી ખોલી વસાહતમાં રહેતા શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ હોવાનું તા.5 એપ્રિલના રોજ નોંધાયું હતું. આ પછી સમગ્ર દરેડ વિસ્તારને કવોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. આ પછી આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રએ લીધેલા તકેદારીના પગલાને કારણે નવો કેસ નોંધાયો ન હતો. પરિણામે 21 દિવસ બાદ જામનગર જિલ્લાને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે એક મૃત્યું થયું હોવાથી જામનગર જિલ્લાનો સમાવેશ ઓરેંન્જ ઝોનમાં કરાયો હતો. આ પછી મીડિયામાં આ મુદ્ો ચમકીયા બાદ સ્થાનિક નેતાઓ સફાળા જાગ્યા હતા અને રાજય અને કેન્દ્ર સરકારમાં જામનગર જિલ્લાના ગ્રીન ઝોનમાં મુકવા રજૂઆતો કરી હતી.
ગઇ રાત્રે જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે બહાર પાડેલા જાહેરનામામા જામનગર જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ થયાની જાહેરાત સાથે વધુ કેટલીક છુટછાટો આપી હતી. જેનો અમલ આજે સવારથી શહેર અને જિલ્લામાં શરૂ થયો છે. પરંતુ જામનગર શહેર અને જિલ્લાની જનતાની કમનશીબી છે કે આ ગ્રીન ઝોનના સત્તાવાર પ્રથમ દિવસે પોઝીટીવ કેસનું ગ્રહણ લાગ્યું છે. આજે શહેરની જ ત્રણ વ્યકિતને કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે.
આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની જી.જી.હોસ્પિટલની લેબોરેટરીમાં આવેલા સેમ્પલ પૈકી 3 મુસ્લીમ મહિલાઓના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ જણાયા છે. આ દર્દીમાં જામનગર શહેરના વાણિયાવાડ વિસ્તાર નજીક રહેતી શબાના ઇરશાદ (ઉ.વ.40), મેઝબીન અહેજાઝ (ઉ.વ.23), રૂબિના સુમરા (ઉ.વ.27) નામની ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
મળતી વિગત અનુસાર આ ત્રણેય મહિલાઓ અમદાવાદ લગ્ન પ્રસંગે ગઇ હતી અને લોકડાઉન જાહેર થવાને કારણે અમદાવાદમાં ફસાઇ ગઇ હતી. ગઇકાલે જ આ ત્રણેય મહિલાઓ સહિત કેટલાક લોકો અમદાવાદથી જામનગર જિલ્લામાં પ્રવેશ્યા હતા. પરંતુ ચેકપોસ્ટ ઉપર જ તેઓને અટકાવી નિયમ અનુસાર આ લોકોને ઠેબા પાસે આવેલી સમરસ હોસ્ટેલ કે જેને જિલ્લાનું મુખ્ય કવોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં લઇ જવાયા હતા. સમરસ હોસ્ટેલ ખાતેથી જ મેડીકલ ટીમ દ્વારા શંકાસ્પદ કેટલાક લોકોના અને ખાસ કરીને અમદાવાદ કે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ માટે જી.જી.હોસ્પિટલની લેબોરેટરીમાં લઇ જવાયા હતા.
જી.જી.હોસ્પિટલની લેબમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલો પૈકી ઉપરોકત ત્રણ મહિલાઓના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ જણાતા હોસ્પિટલ અને સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. ઉચ્ચ અધિકારીઓ બંધ બારણે મીટીંગ કરી રહ્યા છે. જો કે સોશ્યલ મીડીયામાં પણ કોરોનાના કેસ નંબર (4167, 4214, 4215) સાથે ઉપરોકત મહિલાઓના નામ પોઝીટીવ દર્દી તરીકે વાયરલ થઇ રહ્યા છે.
આ અંગે બપોરે 1:40 કલાકે જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, અમદાવાદથી ગઇકાલે આઠ વ્યક્તિ જામનગર જિલ્લામાં પ્રવેશી હતી જેમાં પાંચ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ લોકોને ધ્રોલ નજીકની ચેકપોસ્ટ ખાતેથી જ નિયમોનુસાર સમરસ હોસ્ટેલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં અને ત્યાંથી તમામના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલમાં મોકલાયા હતાં. આજે સવારે આ સેમ્પલના પૃથ્થકરણ બાદ ત્રણ મુસ્લિમ મહિલાઓને કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. જો કે આ લોકોને જામનગર શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હોવાથી જામનગર સુરક્ષિત છે. આ ત્રણેય દર્દીઓની કોરોનાની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

Comments
Post a Comment