જામનગર તા.6:
જામનગર જિલ્લામાં આપઘાતના બે બનાવો નોંધાયા છે જેમાં જામનગર નજીકના ધોરીવાવ ગામે મામાના દિકરા સાથે પરિવારજનો સગપણ નકકી કરતા હોવાથી યુવતિને આ સગપણ પસંદ ન પડતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જયારે કાલાવડના છતર ગામે પિતાના ઠપકાથી લાગી આવતા પુત્રએ આપઘાત કર્યો છે.
જામનગર નજીકના દડીયા રોડ પર આવેલ ધોરીવાવ ગામે ગઇકાલે નાથીબેન ઉર્ફે નયના અમરાભાઇ દેશુરભાઇ ખરા (ઉ.વ.20) નામની યુવતિએ પોતાના રહેણાંક મકાને પંખાની હુંકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતોે. આ બનાવ અંગે યુવતિના પિતા નાથાભાઇએ જાણ કરતા પંચકોશી બી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી મૃત્કનો કબ્જો સંભાળી મૃતદેહને પીએમ માટે જી.જી.હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકનું સગપણ તેના મામાના દિકરા સાથે કરવાની વાત ચાલતી હોય અને તેને લઇ મૃતકને આ સગપણ કરવું ન હોય તેથી પોતે દુ:ખી હોય, ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું તેના પિતાએ પોલીસમાં જાહેર કર્યું હતું.
આપઘાતનો અન્ય એક બનાવ છતર ગામે નોંધાયો હતો. જેમાં સોહિલભાઇ સાજીદભાઇ મુદ્રાખ (ઉ.વ.20) નામના યુવાને પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લઇ જીવતરનો અંત આળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક નાળીયેરમાંથી પાણી કાઢતો હતો ત્યારે મોટા ભાઇએ કહેલ કે તારાથી પાણી નહી નીકળે જેથી નાળીયેરનું પાણી મોટાભાઇ ઉપર નાખતા મૃતકને તેના પિતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા સોહિલે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Post a Comment