જામનગર તા.16
જામનગર નજીક ઠેબા અને ખીજડીયા બાયપાસ રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસે ગઈ કાલે સાંજે એક મોટરસાયકલ એસઆરપીના ડીવાયએસપીની જીપ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. એસઆરપી અધિકારીની જીપ રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે ગેરકાયદે ડીવાયડર ઓળંગી બાઈક ચાલક રોંગ સાઈડમાં આવતા જીપ સાથે અથડાઈ ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક સર્જાયેલ અકસમાતની પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે સાંજે ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ વચ્ચેના ફોર લેન માર્ગ પર સાંજે સાતેક વાગ્યાના સુમારે રાજકોટના ઘંટેશ્વર એસઆરપી કેમ્પના ડીવાયએસપીની જીજે 3 જી 1662 નંબરની સુમો જીપ પસારથતી હતી ત્યારે સામેના રોડ પરના તૂટેલ ડીવાયડરમાંથી પોતાનું જીજે 10 ડીડી 5873 નંબરનું મોટરસાયકલ લઇ રોડ પર આવેલ શિવાજી રામભોલ મિશ્રા રે. ખોડીયાર કોલોની વાળો જીપ સાથે અથડાઈ ગયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર ચકાસણી અને પંચનામું કરી મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધી, મૃતકને જીજી હોસ્પીટલ ખસેડી મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં પીએમ વિધિ પાર પાડી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ થતા જામનગર રહેતા મૃતકના પરિવારજનો સ્થળ અને હોસ્પિટલ પહોચ્યા હતા, યુવાનનાં મૃત્યુના પગલે પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Comments
Post a Comment