જામનગર તા.20 :
જામનગરમાં લોકડાઉન-4માં મળેલી છુટછાટ પછી આજે બીજા દિવસે પણ બજારમાં લોકોની ભીડ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી હતી. એટલું જ નહીં ખાસ આ દુકાનો પર તો ખરીદી કરવા માટે લોકોની કતારો લાંબી લાગી હતી. લોકો દુકાનો પર ભીડમાં સોશ્યલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલી ગયા હતાં.
જામનગરમાં આજે બીજા દિવસે સવારમાં આઠ વાગ્યા પહેલાં જ એટલે કે, માર્કેટમાં દુકાનો ખુલે તે પહેલાં જ લોકોની ખરીદી કરવા માટે થઇને લાંબી કતારો લાગી ગઇ હતી. જેમાં ખાસ કરીને તમાકુ અને પાનની દુકાનો પર લોકોની વધુ ભીડ જોવા મળતી હતી. રસ્તા ઉપર તો ટોળા ઉમટ્યા હતાં. માત્ર પાન-તમાકુની દુકાનો પર જ નહીં પરંતુ ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. જો કે, અન્ય દુકાનો પર પાંખી હાજરી લોકોની રહી હતી. આ ભીડમાં લોકો સરકારના સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ ભુલ્યા હતાં. એટલું જ નહીં અનેક લોકોના મોં પર માસ્ક પણ બાંધેલા ન હોય તેવું નજરે પડ્તું હતું.
જામનગરમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નર દ્વારા જાહેરનામું જે બજાર અંગેનું બહાર પાડેલ છે. તે મુજબ એકી-બેકીનો અમલ કરાવવા માટે અને તે પ્રમાણે વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવે તે જરૂરી હોય જેથી મહાનગરપાલિકાની અધિકારીઓની ટીમ દ્વારા વેપારીઓને જાહેરનામાની એકી-બેકીનો અમલ કેવી રીતે કરવો એની માહિતી આપવામાં આવી હતી.
જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં તમાકુની દુકાનો પર વધુ ભીડ જામી હતી. આ ઉપરાંત બેડી ગ્રેઇન, રત્નબાઇની મસ્જીદ, યુનિક શોપિંગ સેન્ટર, પંચવટી, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ, ઝવેલર્સ, મોબાઇલની દુકાનો, કાપડની દુકાનો, સલુર્ન વગેરે દુકાનો પર વેપારીઓ વેપાર કરવા માટે આપી પહોંચ્યા હતાં.
વહીવટી તંત્ર દ્વારા પણ જાહેર કરાયેલા જાહેરનામાં અંગે અસમંજસ ફેલાઇ હતી. જો કે, અમુક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતાં. આમ જામનગરમાં લોકડાઉનના કારણે પાન-બીડીના બંધાણીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. એવી જ રીતે ફરસાણની દુકાન પર ફરસાણ ખરીદવા, મોબાઇલ રીપેર કરાવવા પહોંચ્યા હતાં. રોજનું કમાઇને ધંધો રોજગારી મેળવનાર પાથરણાવાળાઓએ પણ ધંધો ફરી શરૂ કર્યો હતો.
જામનગરમાં આજે બીજા દિવસે પણ મેઇન બજારો ખુલતા જ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યા સર્જાય હતી. જો કે જામનગરમાં જન-જીવન ધબકતું થયું હતું.
Comments
Post a Comment