જામનગર તા.25
જામનગરના કોંગ્રેસ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી કિશાન કોંગ્રેસના અધ્યક્ષને સરકારના ઇશારે રાજકોટમાં પોલીસ દ્વારા માર મરાયાની ઘટનાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા કલેકટરને કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, વિરોધપક્ષ નેતા અલતાફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા દ્વારા આવેદન આપી રજુઆત કરી કે વૈશ્વિક કોરોના મહામારીમાં 55 દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા-રોજગાર બંધ છે. સામાન્ય-મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો પીએમ કેર ફંડ માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓ રાજકોટ કલેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહિવટીતંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે, ખેત પેદાશોના ભાવ મળે તે હતો પણ વહિવટીતંત્ર - સરકારના ઈશારે કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો. અંગ્રેજોને પણ શરમ આવે તેવો પોલીસે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખેડૂતોના મુદ્દે વિચારપૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નિંદનીય છે અને ગેરબંધારણીય પણ છે. કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસ ને નહિ. સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સ્પષ્ટ ઉજાગર થઈ છે. ખેડૂતો માટે ન્યાય માંગનાર, ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હક્કના નાણાં ચાઉં કરી જનારને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે ? શું ખેડૂતોના હક્કની લડાઈ લડવી ગુન્હો છે?
ગુજરાત કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા પર બેરહમીપૂર્વ અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઈશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યુ છે તેમની સામે તાત્કાલીક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.
Comments
Post a Comment