છુટક દુકાનદારો માટે ખરીદી કરવાની એકમાત્ર દાણાપીઠ ગણાતી ગ્રેઇન માર્કેટને સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા કરાવાઇ હતી બંધ: નાના દુકાનદારો અને લોકો મુકાયા હતા મુશ્કેલીમાં: સાંજ સમાચાર દદ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન-નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વેપારી મહામંડળ, રિટેઇલ વેપારી મહામંડળનો પણ લોકોને પડી રહેલી હાડમારીથી કરાયા હતા વાકેફ : મંત્રીઓએ પણ વેપારી અને લોકોના પ્રશ્ર્ને સાંજ સમાચારની રજૂઆતનું સમર્થન કરી ત્વરીત ઉકેલની આપી હતી ખાત્રી: કલેકટરની સુચનાથી સાંજે એસ.પી. અને વેપારી આગેવાનોની બેઠકમાં આવ્યો સુખદ ઉકેલ : સવારે 11 થી 2 દરમ્યાને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ખુલી રહેશે માર્કેટ
જામનગર તા.12:
જામનગર શહેર અને તાલુકામાં છુટક વેપાર કરતા અસંખ્ય દુકાનદારો માટે જથ્થાબંધ અનાજ-કરિયાણું ખરીદ કરવા માટેની એક માત્ર દાણાપીઠ એવી ગ્રેઇન માર્કેટને સોશ્યલ ડીસ્ટન્સનો પ્રશ્ર્ન ઉભો થતા બંધ કરાવાઇ હતી. પરિણામે છુટક દુકાનદારો મારફત લોકોને માલ ન મળતા તંગી અને કાળાબજારના પ્રશ્ર્નો ઉભા થવા લાગ્યા હતા આ મામલે સાંજ સમાચારે ગઇકાલે વેપારી આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે આ મુદ્ે ચર્ચા કરી નિકાલ લાવવા કરાયેલ પ્રયાસ પછી આજે ગ્રેઇન માર્કેટ ખુલ્લી હતી.
જામનગરની ગ્રેઇન માર્કેટ એ જથ્થાબંધ અનાજ-કરીયાણાના વેપાર માટેની એક માત્ર દાણાપીઠ છે. શહેરના તેમજ તાલુકામાંથી છુટક વેપાર કરતા દુકાનદારો ગ્રેઇન માર્કેટ ઉપર જ ખરીદી માટે નિર્ભર છે.
ધી સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશને જાહેર કર્યા મુજબ કોરોનાના કેસ અને સોશ્યલ ડીસ્ટનસનો પ્રશ્ર્ન ઉભો થયો હોય ડી.એસ.પી.ની સુચનાથી આ માર્કેટ તા.17મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ગ્રેઇન માર્કેટ ન ખુલતા નાના- છુટક દુકાનદારો પાસે વિવિધ વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ ગઇકાલે જ ખાલી થઇ ગઇ હતી અને લોકો ખાલી હાથે પાછા જતા હતા. તો અમુક જગ્યાએ દુકાનદારે વધુ ભાવ પડાવ્યાની ફરિયાદ પણ લોકોએ કરી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારના લાખો નાગરિકો તેમજ હજારો નાના દુકાનદારોના પ્રશ્ર્નનું નિરાકરણ આવે તે માટે સાંજ સમાચારએ વેપારી આગેવાનો, સરકારના પ્રતિનિધિઓનો સંપર્ક કરી આ પ્રશ્ર્ને પરામર્થ કર્યો હતો.
જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના, રિટેઇલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંતભાઇ મશરૂનું મંતવ્ય મેળવ્યું હતું અને તેઓએ પણ સાંજ સમાચારને લોકોમાંથી મળેલ ફરિયાદ અને માંગણી મુજબ ગ્રેઇન માર્કેટ ખુલ્લે તે માટે યોગ્ય રસ્તો કાઢી પ્રશ્ર્નનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી હોવાનું સાંજ સમાચાર દ્વારા રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરી ધ્યાનમાં મુકવામાં આવ્યું હતું. આ બન્ને મંત્રીઓએ લોકોની અને દુકાનદારોની સમસ્યા અંગે સાંજ સમાચારની રજૂઆતનું સમર્થન કર્યુ હતું અને વહેલી તકે આ પ્રશ્ર્ન ઉકેલાય તથા ગ્રેઇન માર્કેટને ખોલવાની મંજૂરી મળે તે માટે તંત્રને સુચના આપવાની ખાત્રી આપી હતી.
આ પછી ગઇકાલે બપોરે જિલ્લા કલેકટર રવિ શંકર દ્વારા કોરોના વિષય સંદર્ભે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પણ સાંજ સમાચાર તરફથી ગ્રેઇન માર્કેટનો પ્રશ્ર્ન ઉઠાવાયો હતો. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે સોશ્યલ ડીસ્ટન્સનો પ્રશ્ર્ન ઉદ્ભવતા એસ.પી.દ્વારા આ પગલું લેવું પડયું હોવાનું જણાવાયું હતું. છતા આ પ્રશ્ર્ને સાંજે વેપારી આગેવાનો સાથે એસ.પી.શરદ સિંઘલ બેઠક કરશે અને નિર્ણય લેવાશે તેવી ખાત્રી અપાઇ હતી. આમ સાંજ સમાચારે લોકો અને નાના વેપારીઓ માટે કરેલ નાનાકડો પ્રયાસ પણ મંત્રીઓના અને કલેકટરના માધ્યમથી આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં સહભાગી બન્યો હતો.
આ મુદ્ે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે ગઇકાલે સાંજે નગરના વેપારી આગેવાનોને બોલાવી એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશનના પ્રમુખ જીતેન્દ્રભાઇ લાલ, મંત્રી લહેરીભાઇ તથા પ્રવિણભાઇ ચોટાઇ તેમજ જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના અને બિપીનભાઇ પંચમતીયા ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રેઇન માર્કેટ બંધ થવાથી ઉભી થયેલી મુશ્કેલી અને વધુ ઉભી થનારી મુશ્કેલી અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
આ બેઠકમાં એસ.પી.શરદ સિંઘલે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેથી વ્યવસ્થા સાથે ગ્રેઇન માર્કેટ ખુલે તે માટે સહમતી દર્શાવી હતી. આ બેઠકમાં નક્કી થયા મુજબ ગ્રેઇન માર્કેટના વેપારી કોઇ છુટક ગ્રાહકને માલનું વેચાણ નહી કરી શકે માત્ર દુકાનદારને જ માલ વેચી શકશે. જામનગરના દુકાનદારોએ આ માટે જામનગર વેપારી મહામંડળની ત્રણબત્તી નજીક સીટી આર્કેડમાં બીજા માળે આવેલી ઓફિસ ખાતેથી આ માટેના પાસ મેળવી શકશે. આ પાસ સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 દરમ્યાન મેળવી લેવાના રહેશે.
સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે અને એક જ સાથે વેપારી ભેગા ન થાય તેની તકેદારી રાખવા વેપારી આગેવાનોએ પણ યોગ્ય વ્યવસ્થાની ખાત્રી આપી હતી.
આ વિસ્તારની રિટેઇલની દુકાનો સવારે 7:00 થી 10:00 ખુલી રહેશે અને માત્ર ત્યાંના સ્થાનિક લોકો પગપાળા જઈને ખરીદી કરી શકશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વાહનો અલોવ નહીં કરવામાં આવે.
હોલસેલના વેપારી 11:00 થી 2:00 વાગ્યા સુધી દુકાન ખુલી રાખશે. આ દરમિયાન માત્ર દુકાનદારો જેમની પાસે વહીવટી તંત્રના પાસ છે અને વ્યાપારી મંડળ દ્વારા આગામી સમયમાં પાસ આપવામાં આવના છે એમને જ પ્રવેશ અપાશે. આવા તમામ વ્યાપારીઓએ વાહન બહાર રાખવું અને ખરીદી થઈ ગયે સમાન બહાર લઈ જઈને નીકળવાનું રહેશે. આ સમય દરમિયાન કોઈ વાહન અલોવ કરવામાં આવશે નહીં તથા છૂટક વેચનાર પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવનાર દુકાનદારો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવી શકશે જ્યારે શહેરના દુકાનદારો માટે આ લાગુ નહીં પડે. હોલસેલના વેપારીઓએ પોતાનો સામાન અનલોડ સાંજે 5:00 થી 8:00 ના સમયમાં કરવાનો રહેશે. સિટીના દુકાનદારો એક વાર ખરીદવા જશે ત્યારે તેમના પાસમાં તારીખની એન્ટ્રી કરવામાં આવશે અને 7 દિવસ પછી જ એને ફરીથી અલોવ કરવામાં આવશે.
Comments
Post a Comment