ગઇકાલે મધ્ય પ્રદેશ તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના વતની 1170 મજુરોને 39 બસમાં રવાના કરાયા: 39 પૈકી 20 બસમાં બ્રાસ ઉદ્યોગના મજુરો જયારે અન્ય 19 બસમાં ગ્રામ્ય વિસ્તારના મજુરોનો સમાવેશ: આજે દરેડ ખાતેથી મજુરોને લઇ જવા 6 બસ તૈયાર : મજુરોની આરોગ્ય ચકાસણી બાદ રવાના થશે બસ
જામનગર તા.2 :
જામનગર શહેર અને જિલ્લામાં મજુરી માટે આવેલા અને લોકડાઉનમાં કામ-ધંધા વગર ફસાયેલા પરપ્રાંતિય મજુરોને તેમના વતન જવા માટે સરકારે મંજુરી આપી છે. સરકારની મંજુરીને પગલે જામનગર જિલ્લામાંથી 1170 મજુરો 39 બસ મારફત ગઇકાલે વતન જવા રવાના થયા હતાં. જયારે આજે બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા અને વતન જવા ઇચ્છતા મજુરોમાંથી 180 મજુરોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે સરકારે તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર કરેલું છે. જો કે, જામનગર જિલ્લામાં 24 માર્ચથી લોકડાઉન અમલમાં છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને મજુરવર્ગના લોકોને સૌથી વધુ સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ જોઇએ તો પરપ્રાંતમાંથી આજીવિકા માટે આવેલા મજુરો અને તેમના પરિવારજનોની હાલત વધુ કફોડી છે. કેમ કે, તેઓ સ્થાનિક ન હોવાથી કોઇ તેને વસ્તુ ઉધાર પણ ન આપે. ઘણા દિવસથી મજુરો વતનમાં જવા ઇચ્છતા હતા પરંતુ લોકડાઉનના કારણે વાહનની વ્યવસ્થા થતી ન હોવાથી ફસાયેલા હતાં.
ત્રણ દિવસ પહેલાં રાજય સરકારે પરપ્રાંતિય મજુરોને વતનમાં જવાની મંજુરી આપતો નિર્ણય કર્યો હતો. જો કે, મજુરોએ સ્વખર્ચે વતનમાં જવાનું હોવાથી પૈસાની વ્યવસ્થા પણ બધા મજુરો માટે શકય બની નથી. દાતાઓના સહકાર કે ઉદ્યોગકાર એસોસીએશનની મદદથી જે મજુરોને વ્યવસ્થા થઇ છે તેવા મજુરો વતન જવા લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાંથી ગઇકાલે 39 બસ પરપ્રાંતિય મજુરોને લઇને રવાના થઇ હતી. આ મજુરોમાં મોટા ભાગના મધ્ય પ્રદેશના ઝાંબુવા તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના હતાં. આ મજુરોની આરોગ્ય ખાતાની ટીમે ચકાસણી કર્યા બાદ દરેક બસમાં 30 મજુરોને બેસાડવામાં આવ્યા હતા અને વતન મોકલવામાં આવ્યા હતાં. આમ 39 બસમાં કુલ 1170 મજુરો વતન જવા રવાના થયા હતાં. આ 39 પૈકી 20 બસમાં જીઆઇડીસી ફેસ-2-3 માં કામ કરતા મજુરો હતાં. જયારે અન્ય 19 બસમાં જામનગર સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં કામ કરતા મજુરો હતાં.
દરેડ ગામે આવેલ જીઆઇડીસી ફેસ-3 ખાતે આજે સવારે છ બસ મજુરો માટે તૈયાર રાખવામાં આવી હતી. પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે સહિતની દેખરેખ રાખી હતી. જયારે આરોગ્ય વિભાગના કર્મચારીએ વતન જવા માટે આવેલા મજુરોની આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી. મજુરો ધીરે-ધીરે બસ ઉપડવાના સ્થળે આવી રહ્યાં છે. જો મજુરોની સંખ્યા વધશે તો વધુ બસ ફાળવવામાં આવશે તેમ જાણવા મળે છે.
Comments
Post a Comment